મોરબીમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો:એક્ટિવા અને દારૂ સહિત રૂ. 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ પરથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આઠ બોટલ વિદેશી દારૂ અને એક એક્ટિવા સહિત કુલ રૂ. 50,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ શનાળા રોડ પર આવેલી સત્યમપાન વાળી શેરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે એક એક્ટિવા ચાલક પોલીસને જોઈને નાસવા લાગ્યો હતો. શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કરીને તેને થોડે દૂર રોકી લીધો હતો. તલાશી લેતા આરોપી પાસેથી રૂ. 960ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત, GJ-10-EF-0907 નંબરનું રૂ. 50,000ની કિંમતનું એક્ટિવા પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ. 50,960નો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વિજયભાઈ રાજેશભાઈ માણેક (ઉં.વ. 26, રહે. અંજની એપાર્ટમેન્ટ, બ્લોક નં. 404, સત્યમપાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો મોરબીના લીલાપર રોડ પર રહેતા મનોજભાઈ નામના શખ્સે આપ્યો હતો. પોલીસે વિજયભાઈ માણેક અને દારૂ સપ્લાય કરનાર મનોજભાઈ એમ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →