વળતર વિના વીજપોલ સામે ખેડૂતોનું કલેક્ટરને આવેદન:મોરબીના જેતપર ગામમાં કામગીરી રોકવા અને વળતર ચૂકવવા માંગ

Gujarat6/10/2026, 9:09:11 AM
વળતર વિના વીજપોલ સામે ખેડૂતોનું કલેક્ટરને આવેદન:મોરબીના જેતપર ગામમાં કામગીરી રોકવા અને વળતર ચૂકવવા માંગ
મોરબીના જેતપર ગામના ખેડૂતોએ વીજપોલ સ્થાપિત કરવા સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના ખાનગી કંપની દ્વારા તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરાયું છે. આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવે. જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને હજુ સુધી કોઈ વળતર ચૂકવાયું નથી, કે વળતરની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા આ કામગીરી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. આજે મોરબીના જેતપર ગામથી કલેક્ટર કચેરી સુધી એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 50થી વધુ ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. "જય જવાન જય કિસાન"ના નારા સાથે આ રેલી જેતપર ગામથી પ્રસ્થાન કરી હતી. કલેક્ટર કચેરી પહોંચીને ખેડૂત આગેવાનોએ કલેક્ટર સ્વપ્નિલ ખરેને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયાએ જણાવ્યું કે, ટેલિગ્રામ એક્ટ હેઠળ નોટિસો કાઢવામાં આવે છે, તે જ એક્ટની જોગવાઈ મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2024ના પરિપત્ર મુજબ, કોઈપણ કંપનીએ ખેડૂતના ખેતરમાં કામ કરવું હોય તો એડવાન્સમાં ચૂકવણી કરવી ફરજિયાત છે, પરંતુ તેનું પાલન થતું નથી. ખેડૂતોના ખેતરમાં કામગીરી શરૂ થઈ જાય અને પોલ ઊભા થઈ જાય ત્યાં સુધી તેમને કોઈ વળતર આપવામાં આવતું નથી.
Read Original Article →