મોરબી જેલમાંથી વધુ એક મોબાઈલ મળ્યો:જડતી સ્કવોર્ડને સર્ચ દરમિયાન ફોન મળ્યો; અગાઉની તપાસ ઠેરની ઠેર

Gujarat5/23/2026, 5:53:03 AM
મોરબી જેલમાંથી વધુ એક મોબાઈલ મળ્યો:જડતી સ્કવોર્ડને સર્ચ દરમિયાન ફોન મળ્યો; અગાઉની તપાસ ઠેરની ઠેર
મોરબી સબ જેલમાંથી જડતી સ્કવોર્ડને વધુ એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. બે સિમકાર્ડની સુવિધા ધરાવતો, સિમકાર્ડ વગરનો અને બેટરી સાથેનો આ ફોન જેલના આંતરિક ચેકિંગ દરમિયાન મળ્યો હતો. આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદથી આવેલી જડતી સ્કવોર્ડની ટીમે ગઈકાલે સવારે 10-40 થી 12-30 વાગ્યા દરમિયાન જેલનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જેલના સર્કલ નંબર-૧, બેરેક નંબર-૧ની પાછળ આવેલા પ્રથમ સંડાસની કુંડીમાંથી કેચાડા કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોનમાં પાછળનું ઢાંકણું નહોતું. જેલમાંથી મળી આવેલા આ મોબાઈલ ફોન કોનો છે તે અંગે જેલ પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી, જડતી સ્કવોર્ડના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.આર. જાડેજા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જડતી સ્કવોર્ડ દ્વારા મોરબી સબ જેલમાં ચેકિંગ દરમિયાન બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ત્યારબાદ જેલની બહારથી અંદર ફેંકવામાં આવેલા એક પોટલામાંથી પણ એક મોબાઈલ ફોન મળ્યો હતો. આ ત્રણેય મોબાઈલ ફોન કોના હતા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે અંગેની તપાસ હજુ સુધી ઠેરની ઠેર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મોરબી જેલમાંથી મળી આવેલો આ ચોથો મોબાઈલ ફોન છે. અગાઉના ત્રણ મોબાઈલ ફોનની તપાસમાં કોઈ પ્રગતિ ન થતા, જેલ સુરક્ષા અને પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Read Original Article →