મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક:રસીકરણ અને લેપ્રસી અભિયાન સહિતની કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઈ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PM-JAY આયુષ્માન યોજના, માતા-બાળ મરણ દર ઘટાડવાના પ્રયાસો, રસીકરણ અને લેપ્રસી અભિયાનની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન, આગામી 28 જૂને યોજાનારા ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત જિલ્લામાં 0 થી 5 વર્ષના અંદાજિત 1.25 લાખ બાળકોને પલ્સ પોલિયોના ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીએ આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, 8 જૂનથી શરૂ થયેલા અને 18 જૂન સુધી ચાલનારા ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આ અભિયાનને સફળ બનાવવા અને શંકાસ્પદ દર્દીઓનું વહેલું નિદાન કરી તેમને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરએ માતા અને બાળ મરણના મૂળભૂત કારણોનું વિશ્લેષણ કરી આરોગ્ય તંત્રને આ દિશામાં વધુ અસરકારક કામગીરી કરવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
Read Original Article →