મોરબીમાં ફૂડ શાખાનું 50 સ્થળોએ ચેકિંગ:વાસી ખોરાકનો નાશ કરાયો, 15 વેપારીઓને નોટિસ ફટકરાઈ
મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 50 ખાદ્ય સામગ્રી વેચાણ કરતી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી, જેમાં 15 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવ્યો હતો. મોરબી મનપાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 50 સ્થળોએ તપાસ કરાઈ હતી. જ્યાં ગંભીર બેદરકારી જોવા મળી હતી તેવા 15 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. ચેકિંગ દરમિયાન રવાપર રોડ પર આવેલા કેપિટલ માર્કેટના કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરવામાં આવ્યો હતો. ધ ઘૂઘરા હાઉસમાંથી એક્સપાયરી તારીખ વગરનો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો, તેમજ ત્યાંથી ફૂડ કલરનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત, શનાળા રોડ પર આવેલા સ્પાઈસી હંટ અને શુભ રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવી અને વાસી શાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, માધવ દાબેલી, અન્નપૂર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો અને શ્રી રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો છાપેલા ન્યૂઝ પેપરનો નાશ કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો પેક કરવા માટે થતો હતો.
Read Original Article →