મોરબીમાં ખેત તલાવડીમાં ડૂબવાથી કાકા-ભત્રીજા સહિત ત્રણના મોત:વિસ્તારમાં ઘેટા-બકરા ચરાવતી વખતે તલાવડીમાં ન્હાવા પડ્યા હતા; પરિવારમાં શોકનો માહોલ

Gujarat5/13/2026, 11:29:01 AM
મોરબીમાં ખેત તલાવડીમાં ડૂબવાથી કાકા-ભત્રીજા સહિત ત્રણના મોત:વિસ્તારમાં ઘેટા-બકરા ચરાવતી વખતે તલાવડીમાં ન્હાવા પડ્યા હતા; પરિવારમાં શોકનો માહોલ
મોરબીના નવા સાદુળકા ગામ પાસે આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તલાવડીમાં ન્હાવા પડ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ચાર વ્યક્તિઓ ઘેટા-બકરા ચરાવવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. સવારે 11 વાગ્યા આસપાસ તેઓ તલાવડીમાં ન્હાવા પડ્યા હતા. જે દરમિયાન બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ડૂબી જતા ત્રણેયના મોત થયા છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકો લક્ષ્મીનગર અને ધરમપુરના રહેવાસી ગ્રામજનો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા અને જયદેવ સોંડાભાઈ રાતડીયા બંને સંબંધમાં કાકા-ભત્રીજા થાય છે અને તેઓ હાલમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા હતા. જ્યારે કાળુભાઈ ગીગાભાઈ વેહરા મોરબી તાલુકાના ધરમપુર ગામે રહે છે. આ તમામ લોકો મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહીને માલ ઢોર રાખીને તેનો નિભાવ કરી ધંધો કરતા હતા. દરમિયાન આ ઘટના બનવાથી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા ખેત તલાવડીમાં ત્રણેય ડૂબ્યા હતા. જે ઘટનાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે પાણીમાંથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેમને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી આ અકસ્માત મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના નામ 13 દિવસમાં 22થી વધુ જિંદગીઓ પાણીમાં ગરકાવ રાજ્યમાં છેલ્લા એક મહિનામાં જળાશયોમાં મોતના તાંડવની વણઝાર થઈ છે. રાજ્યમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે જળાશયો તરફ વધેલી ભીડના કારણે મે મહિનાના શરૂઆતના માત્ર 13 દિવસમાં જ માંડવી, ખેડા અને વડોદરા, મોરબી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં 22 વધુ જિંદગીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રાજ્યમાં ક્યાંક પિકનિક લોહિયાળ બની છે તો ક્યાંક ખુશીના પ્રસંગો માતરમાં ફેરવાયા છે. તાજેતરમાં જ રાજકોટના આજી ડેમમાં એકસાથે ચાર યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. તો નડિયાદના રસ્કા પાસે લગ્નના હરખમાં આવેલા કાકા-ભત્રીજાના કેનાલમાં ડૂબવાથી મોતે આખા પરિવારને શોકમાં ડૂબાડી દીધો છે. તેવી જ રીતે કપડવંજમાં નર્મદા કેનાલમાં આખેઆખો પરિવાર (પતિ-પત્ની અને બે બાળકી) ગરકાવ થઈ જવાની ઘટના રુંવાડા ઊભા કરી દે તેવી હતી. રાજ્યના ચેકડેમો અને કેનાલો અત્યારે 'મોતનો કૂવો' સાબિત થઈ રહ્યા છે. વહીવટી તંત્રની વારંવારની અપીલ અને ફાયર વિભાગની સતત દોડધામ છતાં, લોકોની બેદરકારી અને પાણીના ઊંડાણનો ખોટો અંદાજ ગુજરાતના અનેક પરિવારોના કુળદીપકોને કાયમ માટે બુઝાવી રહ્યો છે. માંડવી, ધ્રાંગધ્રા અને શામળાજીમાં ડૂબી જવાથી 8ના મોત રાજ્યમાં ગતરોજ એક દિવસમાં જ ડૂબી જવાથી 8 લોકોના મોત થયા હતા. સુરતના માંડવી તાલુકા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા અને અરવલ્લીના શામળાજીમાં પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોતની ત્રણ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંડવીના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈઓના મોત થયા છે, જ્યારે ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં ડૂબી જતાં અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત થયું છે. તો શામળાજીના મેશ્વો ડેમના બાઇક સાથે બે યુવકો ડૂબી જતાં મોત થયા છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →