મોરબી મહાનગરપાલિકાની ઉમેદવારીનો અંતિમ દિવસ:ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે ગુજરાતના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિ ગૌણ છે, કમળ જીતવું જોઈએ. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી સહિત કુલ ત્રણ સ્થળોએ ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ તેમજ નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી કરનારા આગેવાનોએ પણ પોતાના ટેકેદારો સાથે ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભાજપે તેના 52 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કર્યા હતા. મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, નાના-મોટા મનદુઃખ ભૂલીને દૂધમાં સાકર ભળે તે રીતે કમળ જીતે તે માટે કામે લાગી જવું જોઈએ. તેમણે ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે કેટલાક આગેવાનો દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી રહી હોવા અંગે પૂછવામાં આવતા મંત્રી અમૃતિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, મોરબી મહાપાલિકામાંથી ચૂંટણી લડવા માટે 400થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ માત્ર 52 વ્યક્તિઓને જ ટિકિટ આપી શકાય. મંત્રીએ ઉમેર્યું કે, તેમનાથી સિનિયર હોય તેવા આગેવાનોને પણ ટિકિટ ન મળી હોય તેવું બન્યું છે, જેના માટે તેઓ ક્ષમા માંગે છે. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિ ગૌણ છે અને કમળ વિજેતા બનવું જોઈએ, આ લક્ષ્ય સાથે સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ.
Read Original Article →