મોરબી જિલ્લામાં ડીઝલની અછત, વાવણીના ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં:માત્ર ₹2000નું ડીઝલ મળતાં આક્રોશ; ‘8-10 કિમી દૂરથી આવીએ છીએ, અડધું તો આવવા-જવામાં જ પૂરું થઈ જાય’
ચોમાસાની શરૂઆત સાથે જ અત્યારે ખેતીની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ખાસ કરીને હળવદ તાલુકાના ચરાડવા અને તેની આસપાસના વિસ્તારમાં ખેડૂતોને વાવણી કાર્ય માટે પૂરતું ડીઝલ ન મળતાં આ વર્ષે ચોમાસુ પાકનું આગોતરું વાવેતર જોખમમાં મુકાયું છે. વહેલી સવારથી ટ્રેક્ટરો અને કેરબાઓની લાંબી કતારો ચરાડવા ગામ નજીક આવેલા ભવાની પેટ્રોલ પંપ સહિત વિસ્તારના અન્ય પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબા લઈને લાઈનો લગાવી રહ્યા છે. કલાકો સુધી કાળઝાળ તડકામાં ઊભા રહેવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપો દ્વારા વાહનદીઠ માત્ર ₹2000 થી ₹3000 સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. રાત-દિવસ એક કરીને ખેતી કરતા જગતના તાતને અત્યારે ઈંધણ માટે વલખાં મારવા પડી રહ્યા છે. 'અડધું ડીઝલ તો આવવા-જવામાં જ પૂરું થઈ જાય છે’ ડીઝલ માટે કતારમાં ઊભેલા સ્થાનિક ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે આસપાસના ગામોમાંથી 8 થી 10 કિલોમીટર દૂરથી ભાડું કરીને અથવા ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા આવીએ છીએ. અહીં લાંબી લાઈનો બાદ માંડ ₹2000નું ડીઝલ મળે છે. તેમાંથી અડધું ડીઝલ તો પંપ સુધી આવવા અને પાછા ખેતરે પહોંચવામાં જ વપરાઈ જાય છે! ખેતરે પહોંચતા સુધીમાં ટ્રેક્ટરની ટાંકી ફરી ખાલી થઈ જાય છે, તો પછી અમે ખેડ કે વાવણી કઈ રીતે કરીએ? ‘કંપની તરફથી જ ઓછો પુરવઠો’ : પંપ સંચાલક આ ગંભીર પરિસ્થિતિ અંગે ભવાની પેટ્રોલ પંપના સંચાલક રવિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જ હાલમાં પંપ પર ડીઝલનો મર્યાદિત જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કંપની તરફથી મળતાં જથ્થાના આધારે જ અમારે વિતરણ કરવું પડે છે. તમામ લોકોને થોડું-થોડું ડીઝલ મળી રહે તે આશયથી અત્યારે નિયમ મુજબ વ્યક્તિદીઠ માત્ર ₹2000નું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. વાવણી અને સિંચાઈ ખોરવાવાની ભીતિ ખેતીકામમાં અત્યારે આધુનિક મશીનરી જેવી કે ટ્રેક્ટર અને રોટાવેટર ચલાવવા માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડે છે. આ ઉપરાંત, વાવણી ગમે તેમ કરીને કરી લેવાય તો પણ પાકને કૂવામાંથી કે કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા માટે ડીઝલ એન્જિનો (પંપ) ચલાવવા પડે છે. જો આગામી દિવસોમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવાય, તો ખેડૂતોનો મોંઘોદાટ પાક નિષ્ફળ જશે અને વાવણીના શુકન પણ બગડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉદ્યોગો બાદ હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિક સિરામિક અને અન્ય ઉદ્યોગકારો પણ ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગો બાદ હવે સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડતાં જિલ્લાના ખેડૂતો દ્વારા તંત્ર પાસે સવ્વર અને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
Read Original Article →