ડેમના કામની અદાવતમાં વૃદ્ધ પર લાકડીના ધોકા વડે હુમલો:મોરબી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી તાલુકાના ખરેડા ગામે ઘોડાધ્રોઇ ડેમના પટમાંથી માટી કાઢવાના કામની અદાવતમાં એક વૃદ્ધ પર હુમલો થયો હતો. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ખરેડા ગામના અને હાલ મોરબીના આલાપ પાર્ક-2 વિસ્તારમાં રહેતા 63 વર્ષીય ખોડિદાસભાઈ અણદાભાઈ થડોદાને ઘોડાધ્રોઇ ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામને લઈને મનદુઃખ રાખી ખરેડા ગામના મહેશભાઈ માવજીભાઈ ડાભીએ ખોડિદાસભાઈને ગાળો આપી માર માર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપી મહેશભાઈએ લાકડીના ધોકા વડે હુમલો કરતાં ખોડિદાસભાઈના ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ખોડિદાસભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →