મોરબીમાં 1.75 લાખના સોનાના ચેન સ્નેચિંગનો આરોપી ઝડપાયો:હળવદમાં પરણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી એસિડ પીવા મજબૂર કર્યાની ફરિયાદ
મહિલાના ગળામાંથી 1.75 લાખની સોનાની ચેનની લૂંટ મોરબી પોલીસે ધોળા દિવસે પતિ સાથે જઈ રહેલી મહિલાના ગળામાંથી રૂ. 1.75 લાખનો સોનાનો ચેન ઝૂંટવી લેનાર આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા ખાટકીવાસ પાસેથી બની હતી. સનાળા રોડ, સત્યમ પાનવાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (ઉં.વ. 51)એ આ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પત્ની સાથે ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ફરિયાદના આધારે મોરબી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.આર. જાડેજા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીના આધારે આરોપી સરફરાજ ઉર્ફે ફેજલ અબ્દુલભાઈ મંધરીયાની ધરપકડ કરી છે. આરોપી સરફરાજ ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસેનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ઝૂંટવેલો સોનાનો ચેન રિકવર કરવા અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પરણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી એસિડ પીવા મજબૂર કરી બીજી એક ઘટનામાં, હળવદ તાલુકાના માથક ગામે એક પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી એસિડ પીવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. માથક ગામે રહેતા વાઘજીભાઈ રાઠોડની દીકરી સોનલબેન (ઉં.વ. 26)એ મહિલા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. તેણે તેના પતિ ભરતભાઈ બાબુભાઈ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઈ ચાવડા અને મોટા સસરા પરસોતમભાઈ ડાયાભાઈ ચાવડા (રહે. ગુજરાત સોસાયટી, વીસીપરા, મોરબી) સામે આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, લગ્નજીવન દરમિયાન પતિ, સાસુ અને મોટા સસરાએ નાની-મોટી બાબતોમાં હેરાન-પરેશાન કરી મેણાં-ટોણાં માર્યા હતા. આ શારીરિક અને માનસિક ત્રાસના કારણે તેને એસિડ પીવા મજબૂર કરવામાં આવી હતી. પરણીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →