મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોનો ગુજરાત ગેસ સામે વિરોધ:યુદ્ધવિરામ બાદ ગેસના ભાવ ઘટાડવા અને વેટ હટાવવાની માંગ
મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદ્યોગકારોએ રામધૂન બોલાવી 'ગુજરાત ગેસ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગ મે મહિના માટે જાહેર કરાયેલા ગેસના ભાવમાં ઘટાડો કરવાની અને સરકાર દ્વારા ગેસ પરનો વેટ હંગામી ધોરણે દૂર કરવાની હતી. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની કાયમી ગ્રાહકો અને પ્રોપેન ગેસ ન મળતા નવા ગ્રાહકો માટે અલગ-અલગ ભાવ રાખે છે. બે દિવસ પહેલા ગાંધીનગરથી આવેલા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો અને ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મે મહિના માટે ગેસની માંગણી રજૂ કરવામાં આવી હતી, જેના જવાબમાં કંપની દ્વારા અંદાજે 90 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલા સિરામિક ઉદ્યોગને 41 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે નેચરલ ગેસ મળતો હતો. યુદ્ધને કારણે ગેસ સપ્લાય ખોરવાઈ હતી અને અનેક કારખાના બંધ કરવા પડ્યા હતા. હવે જ્યારે યુદ્ધવિરામ થયો છે, ત્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા છે. આથી, બે દિવસ પહેલા ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલા ભાવને સુધારીને વર્તમાન ક્રૂડ ઓઈલના ભાવ મુજબ નવો ભાવ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ છેલ્લા એક મહિનાથી બંધ છે, જેના કારણે 5000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. તેમણે ગુજરાત સરકારને નેચરલ ગેસ પર લાગતા 6 ટકા વેટને હંગામી ધોરણે દૂર કરવા વિનંતી કરી હતી. ઉદ્યોગકારોએ આવેદનપત્ર સુપરત કરતી વખતે પણ રામધૂન અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
Read Original Article →