મોરબી સિરામિક ઉદ્યોગને યુદ્ધથી 7 હજાર કરોડનું નુકસાન:કારખાના બંધ, પ્રત્યેક એકમને 50 લાખથી 1.5 કરોડનો ફટકો; પેપર મિલ પણ પ્રભાવિત
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે 7,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. આ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે 50 લાખથી 1.50 કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગ પર પણ 36 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ ઝીંકાયું છે. ગેસના પુરવઠામાં અવરોધ અને અબજોનું ટર્નઓવર ઠપ્પ
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાં કાર્યરત 650 જેટલા સિરામિક એકમો વાર્ષિક 60,000 થી 70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. જોકે, છેલ્લા એક મહિનાથી ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને પગલે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી દેવી પડી છે, જેના પરિણામે અંદાજે 7,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે. નિકાસમાં અવરોધ: કન્ટેનર ફસાયા અને ખર્ચમાં તોતિંગ વધારો
યુદ્ધની જ્વાળાઓએ નિકાસના માર્ગોને પણ પ્રભાવિત કર્યા છે. ગત એક માસમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 700 થી વધુ કન્ટેનરો પરત ફર્યા છે. આ સિવાય, આશરે 700 થી 800 જેટલા કન્ટેનરો વિદેશી બંદરો પર અધ્ધરતાલ ફસાયેલા છે, જેના પરત આવવાની કે નિર્ધારિત સ્થળે પહોંચવાની કોઈ નિશ્ચિતતા નથી. આ વિલંબને કારણે ઉદ્યોગપતિઓએ કન્ટેનર દીઠ 50,000 થી 1.50 લાખ રૂપિયા સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. ઈંધણની કટોકટી અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન
પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાતા અને નેચરલ ગેસની પૂરતી ઉપલબ્ધતા ન રહેતા સિરામિકના ભઠ્ઠા શાંત થઈ ગયા છે. આ સ્થિતિમાં દરેક એકમને સરેરાશ 50 લાખથી 1.50 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આટલી મોટી નુકસાનીની ભરપાઈ કરવી અને ઉદ્યોગને ફરી પાટા પર લાવવો એ ઉદ્યોગકારો માટે અત્યારે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પેપર મિલ ઉદ્યોગ પર 36 કરોડનું ભારણ
સિરામિક ઉદ્યોગની પડખે ચાલતા પેપર મિલ ઉદ્યોગની દશા પણ કફોડી બની છે. વેસ્ટ પેપરના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પેપર મિલ માલિકોની ઊંઘ હરામ કરી દીધી છે. માત્ર એક જ મહિનામાં આ ક્ષેત્ર પર 36 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવી પડતા આખું સેક્ટર મુશ્કેલીમાં મુકાયું છે. ઉત્પાદનમાં 45,000 ટનનો મોટો ઘટાડો: શૈલેષભાઇ પટેલ
મોરબીની પેપર મિલોની ક્ષમતા અંગે વિગત આપતા એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે અહીં માસિક 1.56 લાખ ટન પેપર પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે. જોકે, છેલ્લા 40 થી 45 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોડક્શન ક્ષમતામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં મિલો માત્ર 60 થી 70 ટકા ક્ષમતા પર જ કાર્યરત હોવાથી અંદાજે 45,000 ટન જેટલું ઉત્પાદન ઘટ્યું છે. કાચા માલમાં ભાવવધારો: તૈયાર માલ મોંઘો થવાના એંધાણ
યુદ્ધ પહેલા પેપર મિલ માલિકો સ્થાનિક અને આયાતી વેસ્ટ પેપરના સમન્વયથી ઉત્પાદન કરતા હતા. પરંતુ યુદ્ધના કારણે આયાતી વેસ્ટ પેપરના ભાવમાં ટન દીઠ 25 ડોલરનો ઉછાળો આવ્યો છે. આ ભાવવધારાને લીધે મોરબીના પેપર મિલ ઉદ્યોગકારો પર માસિક 36 કરોડ રૂપિયાનું ભારણ વધ્યું છે. આગામી સમયમાં આ વધારાના ખર્ચની અસર તૈયાર માલના ભાવ પર પણ પડશે, જેના કારણે પેપર પ્રોડક્ટ્સ મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે
Read Original Article →