પ્રભારી સચિવે મોરબીમાં ચોમાસા પૂર્વે તંત્રને કર્યા એલર્ટ:કોઝ-વે પર સાઇનબોર્ડ, માર્કિંગ અને ડિઝાસ્ટર પ્લાન અપડેટ કરવા સૂચના

Gujarat6/6/2026, 8:15:53 AM
પ્રભારી સચિવે મોરબીમાં ચોમાસા પૂર્વે તંત્રને કર્યા એલર્ટ:કોઝ-વે પર સાઇનબોર્ડ, માર્કિંગ અને ડિઝાસ્ટર પ્લાન અપડેટ કરવા સૂચના
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો અને આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કોઝ-વે પર સાઇનબોર્ડ, પાણીની સપાટીના માર્કિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન, પ્રભારી સચિવે માર્ગ અને મકાન, પુરવઠા, સમાજ કલ્યાણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ચર્ચામાં જિલ્લામાં કુપોષણમુક્ત અભિયાન, મહિલાઓના આરોગ્ય અને સુરક્ષા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ ઉપરાંત, આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અપડેટ કરવા અને પ્રી-મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રભારી સચિવે જિલ્લામાં આવેલા પુલો અને કોઝ-વેની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે ચોમાસા પૂર્વે જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવા, કોઝ-વે પર પાણીની સપાટી દર્શાવતા માર્કિંગ કરવા અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ચેતવણી બોર્ડ લગાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રભારી સચિવ દ્વારા સૂચવાયેલા મુદ્દાઓને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →