મોરબીમાં ભાજપ સ્થાપના દિવસે ટિકિટવાંછુકોની પાંખી હાજરી:ટિકિટ માંગનારા 1007 આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર

Gujarat4/6/2026, 2:51:11 PM
મોરબીમાં ભાજપ સ્થાપના દિવસે ટિકિટવાંછુકોની પાંખી હાજરી:ટિકિટ માંગનારા 1007 આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર
મોરબી જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ માંગનારા 1007 જેટલા આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. 6 એપ્રિલે યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન બાબુ જેબલિયાએ સંભાળ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા, ગજેન્દ્ર સક્સેના, બ્રિજેશ મેરજા, હંસાબેન પારઘી અને રાઘવજી ગડારા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બાબુ જેબલિયાએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ટિકિટ કોઈ પણ કાર્યકર્તાને મળે, પરંતુ અંતિમ લક્ષ્ય માત્ર કમળને જીતાડવાનું હોવું જોઈએ. તેમણે ટિકિટ ન મળનારા કાર્યકર્તાઓને 'જોઈ લેશું' જેવા વલણ અપનાવવાને બદલે પક્ષના ઉમેદવાર સાથે જોડાઈને વિજય માટે કામ કરવા અપીલ કરી હતી. ભાજપની બે સાંસદથી લઈને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર સુધીની સફરને યાદ કરીને, પાયાના કાર્યકર્તાઓના બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના કાર્યકર્તાઓએ ભાજપ પરિવારને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની કુલ 255 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપ પાસેથી 1007 જેટલા આગેવાનોએ ટિકિટની માંગણી કરી છે. જોકે, સ્થાપના દિવસના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં ટિકિટવાંછુકોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. તેમ છતાં, હોલ ભરાઈ જતાં સ્થાનિક આગેવાનોએ રાહત અનુભવી હતી.
Read Original Article →