વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની મોરબીમાં આયુર્વેદ કથા:નિરોગી જીવન માટે લાઈફસ્ટાઈલમાં બદલાવની કરી ટકોર
મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકોએ હાજરી આપી હતી અને તેનો લાભ લીધો હતો. વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, જો દરેક વ્યક્તિ તેની દિનચર્યા અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરે તો ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમણે ખાસ કરીને ખાવા-પીવાની બાબતમાં સલાહ આપી હતી કે, ખોરાકને બરાબર ચાવીને ખાવો અને પાણીને નિરાંતે પીવામાં આવે તો અનેક બીમારીઓમાંથી રાહત મળી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણીવાર ડોકટરો દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવે ત્યારે સીધું ઓપરેશન કરાવતા પહેલા એક વખત આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કદાચ દર્દીને ઓપરેશન વગર પણ સારું થઈ શકે છે. યોગ અને પ્રાણાયામ કરવાથી તેમજ નાની નાની બાબતોમાં કાળજી રાખવાથી ઋતુજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળી શકે છે, જેના માટે તેમણે ટિપ્સ પણ આપી હતી. આ કથામાં આવેલા તમામ લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત હતા અને પોતાના મોબાઈલ ફોન સાયલન્ટ કરીને કથામાં આવ્યા હતા. કથામાં આવેલા લોકોને ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ અને ગરમાળાની શીંગ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત, વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કથા સ્થળ પાસે માટીની તાવડી, પાટીયા, કુંડા, દેશી ઘાણીનું કાળા અને સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલ, આયુર્વેદ પાવડર ચૂર્ણ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા ચૂર્ણ, સંચળ પાવડર, સિંધાલૂણ, એલોવેરા, લીમડો, તુલસી, કેસુડાના સાબુ, ફૂલ છોડના કલમી રોપા (૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા), દેશી ખાતર, ઇન્ડોર-આઉટડોર પ્લાન્ટ, ઓર્ગેનિક મેથી, દવા વગરના શાકભાજી, ફળ, દેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલ અને મુખવાસ વગેરેના વેચાણ માટેના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા.
Read Original Article →