માળીયા નજીક ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રકમાંથી 34.21 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/27/2026, 3:23:46 PM
માળીયા નજીક ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રકમાંથી 34.21 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી-કચ્છ હાઈવે રોડ પર માળીયા (મી) નજીક એક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રક-ટ્રેલરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસે કુલ 468 બોટલ દારૂ અને 232 દારૂના ચપલા જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 34.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. વીરવિદરકા ગામના પાટીયા પાસે આવેલી ડિસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં માટી ભરેલું ટ્રક-ટ્રેલર ઉભું હતું, જેમાં દારૂનો જથ્થો હોવાની માહિતી હતી. બાતમીના આધારે પોલીસે ટ્રક-ટ્રેલરની તપાસ કરતા તેમાંથી રૂ. 4,21,296 ની કિંમતની 468 નાની-મોટી દારૂની બોટલો અને 232 દારૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ. 30 લાખની કિંમતના ટ્રક સહિત કુલ રૂ. 34,21,296 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે ટ્રકનો ચાલક સ્થળ પર હાજર ન હોવાથી તે વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક અને તપાસમાં ખુલે તેવા અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ આર.પી. જાડેજા અને તેમની ટીમે કરી હતી.
Read Original Article →