માળીયા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ:ચોરખાનામાંથી 96 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat4/5/2026, 2:25:42 PM
માળીયા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ:ચોરખાનામાંથી 96 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત
માળીયા કચ્છ હાઈવે પર આવેલી ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી પાડી છે. કારમાંથી ચોરખાનામાં છુપાવેલી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન GJ 1 HM 0110 નંબરની સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી. તપાસ કરતા કારની પાછળની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 96 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1,16,400 અને કારની કિંમત રૂ. 1,00,000 મળીને કુલ રૂ. 2,16,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કચ્છના રાપર તાલુકાના કીડીયાનગરના રહેવાસી ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમારની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો કચ્છ બાજુથી મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપી ઘનશ્યામભાઈ પરમાર વિરુદ્ધ અગાઉ માળીયા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના એક-એક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
Read Original Article →