મોરબીમાં વીજધાંધિયાથી રહીશો લાલઘૂમ:" બિલમાં 50 ટકા વળતર આપો તો અંધારપટ સહન કરીએ'
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોઓરડી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ સર્જાતી વીજ સમસ્યાએ રહીશોની ધીરજ ખૂટવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આખેઆખો દિવસ વીજળી ગુલ રહેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉચ્ચ વીજ અધિકારી ડે. એન્જિનિયર અંબાણીને ફોન કરીને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "જો તંત્ર વીજળીના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપતું હોય તો અમે આ અંધારપટ મુંગા મોઢે સહન કરી લઈએ." રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અન્ય વિસ્તારોની જેમ જ અમે પૂરેપૂરું બિલ ભરીએ છીએ તો અમારે જ કેમ વારંવાર વીજ કટોકટીનો સામનો કરવો પડે છે? ભડિયાદ ફીડરમાં વારંવાર થતા ભડાકા અને ફોલ્ટને કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની હતી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોવાના અધિકારીના દાવા છતાં કલાકો બાદ લાઈટ આવી
બપોરના ત્રણ વાગ્યાથી લાઈટ ગુલ હોવા અંગે અધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્ટાફ લાઈન પર છે અને પેટ્રોલીંગ કરી પાવર ચાલુ કરાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, અધિકારીના આ જવાબના કલાકો બાદ માંડ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો હતો. વીજ ફોલ્ટ સેન્ટરના ઊઠા ભણાવવાથી લોકો પરેશાન
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વીજળી ગુલ થયા બાદ જ્યારે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરવામાં આવે ત્યારે "માણસો લાઈન પર છે, હમણાં પાવર આવી જશે" તેવા વાયદા કરીને રીતસરના ઉઠા ભણાવવામાં આવે છે. બે દિવસ પહેલા ભડિયાદ ફીડરમાં ફોલ્ટ સર્જાયા બાદ આખો દિવસ વીજળી રજા પર ઉતરી ગઈ હતી. રહીશોએ અધિકારીને ફરિયાદ કરી હતી કે અન્ય વિસ્તારોમાં વીજળી ચાલુ હોય છે ત્યારે માત્ર અમારા વિસ્તારમાં જ આવી ભેદભાવભરી નીતિ કેમ રાખવામાં આવે છે. PGVCLના અધિકારીના ઉદાસીન વલણ સામે પણ ઉઠ્યા સવાલ
જ્યારે જાગૃત નાગરિકોએ પાવર જલ્દી ચાલુ કરવા રજૂઆત કરી ત્યારે અધિકારી માત્ર વારંવાર સરનામું પૂછીને જાણી જોઈને વિલંબ કરતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. સોઓરડી તેમજ સબ જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પણ લાંબા સમય સુધી લાઈટ ન આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીજીવીસીએલની આ ઢીલી નીતિને કારણે ઉનાળાની સિઝનમાં લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.
Read Original Article →