હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો:કૌટુંબિક બહેનનો પીછો કરવાની શંકાએ લોહિયાળ ખેલ ખેલાયો, ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
હળવદ તાલુકાના ટીકર ગામે કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખી એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના શું હતી? ટીકર ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા 22 વર્ષીય મહોમદઅયાઝ વારીશ કગથરાએ ફિરોજ સલીમ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ફિરોજને શંકા હતી કે મહોમદઅયાઝ તેની કાકાની દીકરી રૂકસાનાનો પીછો કરે છે. આ વહેમ રાખીને આરોપીએ બે દિવસ પૂર્વે ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીએ મહોમદઅયાઝ પર છરી વડે હુમલો કરી દીધો હતો. શરીરના અનેક ભાગે છરીના ઘા ઝીંક્યા હુમલાખોરે યુવાનના પેટના ડાબી બાજુના પડખામાં, જમણા હાથના બાવળા પર અને ગળાની હાંસળીની નીચે છાતીના ભાગે છરીના આડેધડ ઘા માર્યા હતા. હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાલત વધુ ગંભીર જણાતા તેને તાકીદે અમદાવાદની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી ઘટના અંગે હળવદ પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ફિરોજ હાલ ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.
Read Original Article →