હળવદના ચરાડવા પાસે ખેડૂતનું અકસ્માતમાં મોત:પેટ્રોલ પંપે ડીઝલ ભરાવી નીકળતા ST બસે ટ્રેક્ટરને ટક્કર મારી
હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવીને નીકળી રહેલા એક ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ખેડૂતના ટ્રેક્ટરને એસટીની વોલ્વો બસે ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને ચરાડવા ગામ પાસે આવેલા રાજલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા આવ્યા હતા. ડીઝલ ભરાવીને તેઓ પેટ્રોલ પંપ પરથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે અમદાવાદ-મોરબી રૂટની એસટી વોલ્વો બસના ચાલકે તેમના ટ્રેક્ટરને હડફેટે લીધું હતું. બસની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ખેડૂતને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →