ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો:ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના ભાવમા ઝીંક્યો રૂ. 5નો વધારો, સિરામિક ઉદ્યોગ પર દૈનિક 3.71 કરોડનો બોજ વધશે

Gujarat5/17/2026, 12:00:00 AM
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ગેસ પુરવઠો અને તેના ભાવ એ ઉત્પાદન ખર્ચનો સૌથી મોટો અને મહત્વનો હિસ્સો છે. અગાઉ દોઢ મહિના સુધી ગેસ ન મળવાને કારણે ઉદ્યોગોએ શટડાઉન સહન કરવું પડ્યું હતું, અને હવે જ્યારે ઉદ્યોગ માંડ બેઠો થઈ રહ્યો છે ત્યારે જ ગુજરાત ગેસ કંપનીએ પ્રતિ ક્યુબિક મીટર દીઠ રૂ. 5 નો વધારો ઝીંક્યો છે. જેના પગલે ઉત્પાદન ખર્ચ વધતાં ટાઈલ્સ પ્રોડક્ટમાં 5 ટકાનો ભાવવધારો પણ તોળાઇ રહ્યો છે. મોરબીમાં કુલ 800 થી વધુ સિરામિક એકમો આવેલા છે, જેમાં અગાઉ પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ ઈરાન અમેરિકા યુદ્ધના પગલે પ્રોપેન ગેસનો જથ્થો અટકી જતા ઉદ્યોગકારો ગુજરાત ગેસના જથ્થા પર નિર્ભર છે. ત્યારે હવે ગુજરાત ગેસ દ્વારા પણ રૂપિયા પાંચનો વધારો ઝીંકાતા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. આ ભાવ વધારાથી ઉદ્યોગને દૈનિક 3.71 કરોડ નો આર્થિક બોજો વધશે તેવી પણ શક્યતાઓ છે. ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો: સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેરના ઉત્પાદનમાં ફાયરિંગ(ભઠ્ઠી ગરમ રાખવા) માટે પીએનજી ગેસ મુખ્ય બળતણ છે. કુલ ઉત્પાદન ખર્ચમાં ગેસનો હિસ્સો અંદાજે ૩૦% થી ૪૦% જેટલો હોય છે. રોજિંદો બોજ: મોરબીમાં 70 લાખ ક્યુબિક મીટર ગેસ વપરાય છે. રૂ.5નો સીધો વધારો થતાં કારખાના દીઠ રોજનો ગેસ બિલનો ખર્ચ લાખો રૂપિયા વધી જશે. નફાના માર્જિન પર કાતર: આના કારણે ટાઇલ્સની પ્રતિ બોક્સ ઉત્પાદન કિંમતમાં પણ મોટો વધારો થશે, જેનાથી ઉત્પાદકોનો નફો સાવ નહિવત્ થઈ જશે અથવા નુકસાની વેઠવાનો વારો આવશે. નિકાસ પર અસર: મોરબીની ટાઇલ્સ વિશ્વના 180 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન, તુર્કીયે અને સ્પેન જેવા દેશો સામે મોરબી સસ્તી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સને કારણે ટકી રહ્યું છે. ભાવ વધારવાની મજબૂરી: જો મોરબીના ઉદ્યોગકારો ગેસના ભાવવધારાને પગલે ટાઇલ્સના ભાવ વધારે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીની પ્રોડક્ટ મોંઘી થઈ જશે. ઓર્ડર કેન્સલ થવાનો ભય: વિદેશી ખરીદદારો ચીન કે અન્ય દેશો તરફ વળી શકે છે, જેનાથી મોરબીના એક્સપોર્ટ માર્કેટને ફટકો પડી શકે છે. દેશના ડોમેસ્ટિક વેચાણમાં મંદીનો ભય: સ્થાનિક બજારમાં હાલમાં જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે જેને મંદી ઘેરી વળી શકે. ગ્રાહકો પર બોજ: જો સ્થાનિક બજારમાં ટાઇલ્સના ભાવ વધારવામાં આવે, તો બાંધકામ ક્ષેત્ર મોંઘું થશે, જેનાથી ટાઇલ્સની માંગ ઘટી શકે છે. જો ડિમાન્ડ ઘટે અને કારખાના ચાલુ રહે, તો માલનો ભરાવો થશે, જે ઉદ્યોગકારોનું નાણું બ્લોક કરશે. નાના અને મધ્યમ કદના એકમો બંધ થવાની ભીતિ: મોરબીમાં મોટા ગજાની સિરામિક ફેકટરીઓની સાથે અનેક નાના અને મધ્યમ કદના સિરામિક એકમો આવેલા છે. જેને સીધી અસર થશે. નાણાકીય કટોકટી: અગાઉ દોઢ મહિનાના શટડાઉનને કારણે આ એકમો આર્થિક સંકટમાં હતા. જેમ કે લેબર જાળવવી, બેંક વ્યાજ, ફિક્સ વીજળી બિલ વગેરે. હવે ગેસનો આ નવો ડામ તેઓ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. ફરી શટડાઉનનો ખતરો: ઘણા નાના એકમો આ નુકસાની ન વેઠી શકવાને કારણે ફરી એકવાર શટ ડાઉન લેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Read Original Article →