પ્રેમલગ્નમામલે વિવાદ:ખાખરેચીમાં યુવતીના પ્રેમલગ્નથી નારાજ પરિવારજનોની યુવકના ઘરમાં આગચંપી
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે યુવાને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા એ યુવતીનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતો અને એટલી હદે ખુન્નસે ભરાયો હતો કે, યુવતીના પરિવારજનોએ યુવાનના ઘરમાં ઘુસી તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. એટલું જ નહીં ઘરમાં આગચંપી કરી દેતા ઘર ભડકે બળ્યું હતું અને આગના પગલે ઘરમાં વ્યાપક નુકસાન કર્યાની યુવતીના માતા-પિતા અને બહેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવાનના ઘરમાં ઘુસી યુવતીના પરિવારે કરેલા હુમલાની આ ગામના વતની અને હાલ હાલમાં હળવદ તાલુકાના શિરોઇ ગામે ખેતમજૂરી કરતા યુવાનના કાકા નરેશભાઈ પ્રભુભાઈ ઉંચાણા ઉ.વ.42 એ આરોપી ઓસમાણ અલ્લારખાભાઈ મોકરસી, અમીનાબેન ઓસમાણભાઈ મોકરસી અને આરોપી માહેનુર ઓસમાણભાઈ મોકરસી સામે માળીયા મિયાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ભત્રીજાએ આરોપી ઓસમાણભાઈની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ આ પ્રેમલગ્ન આરોપીઓ એટલે યુવતીના પરિવારજનોને મંજૂર ન હતા. આથી આ પ્રેમલગ્નનો ખાર રાખી આરોપીઓ હથિયારો સાથે તેમના ભાઇ નવઘણભાઈના ઘરમાં ત્રાટકયા હતા અને ઘરમાં જઈ ત્રિકમ અને કુહાડી વડે તોડફોડ કરીને હુમલો કરતા ફરિયાદીનો પરિવાર ભયભીત બનીને હતપ્રભ બની ગયો હતો. આટલું ઓછું હોય એમ યુવતીના પરિવારજનોએ યુવાનના મકાનમા આગ ચાંપી દેતા મકાન સળગી ઉઠ્યું હતું. જેથી યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવાતા આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read Original Article →