બહુમત ધરાવતા હોવા છતાં ભાજપની ખુશી ફિક્કી પડી:મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી ભાજપને મળી, પ્રમુખ પોતાના પક્ષમાંથી બનતાં ઉજવણી કોંગ્રેસે કરી
મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ઉજવણીની તક આપી છે. 24માંથી 17 બેઠક પર જીત મેળવીને ભાજપે બહુમતી તો મેળવી લીધી હતી, જયારે કોંગ્રેસનું પરફોર્મન્સ 2021ની ચૂંટણી કરતા નબળું રહ્યું હતું અને 7 બેઠક પરથી તેમને સંતોષ માનવો પડ્યો હતો. જો કે આ 7 બેઠકમાંથી સૌથી મહત્વની એવી નેકનામ બેઠક જીતી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા સામે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવાર ગીતાબેન ભોરણીયાની હાર થતા ગઢ આલા સિંહ ગેલા જેવી સ્થિતિ બની હતી અને બહુમતિ ન હોવા છતાં કોંગ્રેસને ઉજવણીની તક સાંપડી હતી. મોરબી જિલ્લા પંચાયત ખાતે હોદ્દેદારોની નિમણૂક માટે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિ. પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના નામોની જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં એક રસપ્રદ સમીકરણ જોવા મળ્યું છે. ભાજપે સ્પષ્ટ બહુમતી મેળી છતાં, પ્રમુખપદની બેઠક અનામત હોવાને કારણે કોંગ્રેસના ફાળે ગઈ છે અને ગીતાબેન દુબરીયા બિન હરીફ વિજેતા બનતા કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે ભાજપના સદસ્યની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ માટે જે દાવેદાર મનાતા હતા તેને કારોબારી સમિતિના ચેરમેન બનાવ્યા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે શાસક પક્ષ ભાજપે ખાનપર બેઠકના સદસ્ય વિજય ગરચરના નામ પર મહોર મારી છે. બહુમતીના આધારે વિજય ગરચર ઉપપ્રમુખ તરીકે બહુમતીથી જાહેર થયા છે. તો કારોબારી સમિતિના ચેરમેન તરીકે મોટા દહીંસરા બેઠકના સદસ્ય મનીષ કુમાર કાંજીયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શાસકપક્ષના નેતા તરીકે સવિતાબેન લાલજીભાઈ રાઠોડ અને દંડક તરીકે કાજલબેન ભરતભાઇ વિઠ્ઠલાપરાનું નામ જાહેર કર્યું છે. 2021માં તાલુકા પંચાયતમાં જેની સામેહાર્યા, તેને હરાવી ગીતાબેન પ્રમુખ બન્યા મોરબી જિલ્લા પંચાયતમાં 12 વર્ષના શાસન કાળમાં પ્રથમ વખત પ્રમુખ તરીકે અનુસૂચિત આદિજાતિને તક મળી છે, જેમાં ગીતાબેન દુબરીયા બીનહરિફ ચુંટાઇ આવ્યા છે. તેમનો રાજકીય અનુભવ ખૂબ ઓછો છે. અગાઉ 2021માં ટંકારા તાલુકા પંચાયતની વીરવાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને સામે ઉમેદવાર તરીકે પણ ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા જ હતા, જેની સામે તેમની હાર થઈ હતી. શિક્ષણ બાબતે વાત કરીએ તો તેઓએ માત્ર 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, અગાઉના મહિલા પ્રમુખ સોનલબેન જાકાસણીયા ડિપ્લોમા ઇન ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતા હતા જ્યારે પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘી બી. એ ગ્રેજ્યુએટ હતા.
Read Original Article →