રજૂઆત:મોરબી મનપાના વર્કશોપમાં હાજરી કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા કોંગ્રેસની માગણી
મોરબી મનપાના ડે. કમિશનરે મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારીઓના હાજરી કૌભાંડનો પર્દાફાશ કરી જવાબદાર કર્મીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. તેમ છતાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખે અગાઉ જે રીતે કૌભાંડો બહાર આવ્યા હોય પણ થોડા સમયમાં કોઈને કોઈ રીતે આ કૌભાંડો દબાઈ ગયા હોય તે રીતે આ હાજરી કૌભાંડનું પણ ભીનું સંકેલાય ન જાય તે રીતે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી મનપાના વર્કશોપ વિભાગમાં કામ કરતા કેટલાક રોજમદારો અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીન બાયોમેટ્રિકમાં ગેરહાજર કર્મચારીઓની ખોટી આંગળીઓ અને અંગૂઠા લગાવી રોજમદારોની ખોટી હાજરી દર્શાવીને લાખો રૂપિયાની પગારની રકમ હજમ કરી ગયાનું હાજરી કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં અન્યના પણ તપેલા ચડી જાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી હોવાથી આ કૌભાંડની નિષ્પક્ષ રીતે તપાસ થાય તો તમામ જવાબદારોને કડક સજા થાય અને ગુટલીબાજો માટે આવી સજા દાખલારૂપ બની રહે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ આવાસ યોજનાની સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તે સમયે કમિશનર દ્વારા એક નિષ્પક્ષ સમિતિ બનાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી આ કૌભાંડમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આ ઉપરાંત મોરબી શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘરમાં ગેરરીતિના આક્ષેપ કરી આ મામલે પણ લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
Read Original Article →