મોરબીમાં ચેક રિટર્ન કેસ:વેપારીને એક વર્ષની કેદ અને રૂ. 18.88 લાખનો દંડ

Gujarat4/9/2026, 2:15:17 AM
મોરબીમાં ચાઈના ક્લેના વેપારમાં આપેલા ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેપારી પેઢીના સંચાલકને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા અને ચેકની મૂળ રકમથી બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, મોરબીમાં પાટીદાર ટ્રેડિંગ નામની પેઢી ચલાવતા મનીષભાઈ સવજીભાઈ પૈજા પાસેથી 'કેસરી મેનેજમેન્ટ'ના પ્રોપરાઇટર જયદીપ કે. ગોસ્વામીએ રૂ. 9,44,138ની કિંમતનો ચાઈના ક્લે ખરીદ્યો હતો. આ રકમની ચુકવણી માટે આરોપી દ્વારા અલગ-અલગ તારીખના કુલ નવ ચેક આપવામાં આવ્યા હતા. જે ફરિયાદીએ પોતાની ICICI બેંકના ખાતામાં જમા કરાવતા, આરોપીના ખાતામાં પૂરતું ફંડ ન હોવાના કારણે તમામ ચેક પરત ફર્યા હતા. ચેક પરત થયા બાદ પણ નાણાંની ચુકવણી ન થતા, મનીષભાઈએ એડવોકેટ નિકુંજભાઈ કોટક મારફતે મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પ્રશાંત પી. શાહની કોર્ટમાં ચાલી હતી. એડવોકેટ નિકુંજ કોટકની ધારદાર દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે જયદીપ કે. ગોસ્વામીને કસૂરવાર ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને વળતર પેટે ચેકની મૂળ રકમથી બમણી એટલે કે રૂ. 18,88,276 ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચેકની રકમ પર તારીખ 21-08-2016 થી 9 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેણે વધુ 90 દિવસની કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ નિકુંજ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા અને કિશોરભાઈ સુરેલા રોકાયા હતા.
Read Original Article →