પ્રેરણા સ્રોત:સ્વબળે ખંતથી આગળ વધી નાના એવા ચાચાપરનો રબારી સમાજનો યુવાન ક્લાસ વન અધિકારી બન્યો
માલધારી એટલે રબારી સમાજ મૂળ જમીન સાથે જોડાયેલો હોય અને મોટાભાગે પશુપાલન કે ખેતી જેવા વ્યવસાયથી જ ઘરનું ગુજરાન ચલાવાતું હોય. આથી એ વિદિત છે કે સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે ભણતર ઓછું હોવાનું, પરંતુ લોકોની આ માન્યતા બદલવી પડશે તેવી સિધ્ધિ રબારી સમાજના યુવાને મેળવી છે. આ સમાજના યુવાનો ભણી ગણીને આગળ આવી રહ્યા છે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી રહ્યા છે, જેના કારણે સમગ્ર સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. અને શિક્ષણ ક્ષેત્રે કાઠું કાઢી રહ્યાનું આશાનું કિરણ ખીલ્યું છે.અહીં વાત થઇ રહી છે મોરબી જિલ્લાના ચાચાપર ગામના વતની અને મચ્છુકાંઠા રબારી સમાજના પ્રતિભાશાળી યુવાન સુનિલભાઈ વજાભાઈ રાઠોડની કે જેમને સ્વબળે આગળ આવી, ખંતથી અભ્યાસ કરી કલાસ-1 અધિકારી તરીકે બઢતી મેળવી સમાજ કલ્યાણ વિભાગમાં નાયબ નિયામક (Deputy Director) તરીકે નિમણૂક પામ્યા છે. નોંધનીય છે કે મચ્છુકાંઠા રબારી સમાજમાંથી સૌપ્રથમ વખત કોઈ યુવાને આટલું ઊંચું અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતિક બની છે. વડવાળા યુવા સંગઠન દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા સુનિલભાઈને શુભકામનાઓ પાઠવી છે. વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ મચ્છુકાંઠા રબારી સમાજ માટે ગૌરવનો દિવસ છે. સુનિલ રાઠોડે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમાજના દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને નવી દિશાનું પ્રતિબિંબ છે. આ સફળતા એ સાબિત કરે છે કે મક્કમ સંકલ્પ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ યુવાન ઊંચાઈ સર કરી શકે છે. સમાજના યુવાનોને આ અધિકારીની હિંમત અને મહેનતમાંથી પ્રેરણા લઇ આગળ વધવા હાકલ કરી હતી.
Read Original Article →