પાણી ન મળતાં 4 દિવસથી 300 પરિવાર તરસ્યા:મોરબી મનપાની ઓનલાઇન એપમાં પાણીની ફરિયાદ‎ત્રણ વાર સોલ્વ બતાવે, પાણીનું ટીપું ’ય નથી મળતું‎

Gujarat5/26/2026, 12:00:00 AM
મોરબી શહેરના વોર્ડ નંબર 2 માં આવતા અનુસૂચિત જાતિ લોકોની વસ્તી ધરાવતા ભીમરાવ નગરવિસ્તારમાં ભર ઉનાળે પીવાનાં પાણીની પારાયણ સર્જાઈ છે. આ વિસ્તારમાં ગયા વર્ષે પણ આ વિસ્તારના લોકોની વારંવારની રજૂઆત બાદ મનપાએ અહીં પાણી પહોંચાડવા માટે પાણીની લાઇન પાથરી હતી. જો કે આ કામગીરીમાં લેવલની જાળવણી ન થવાના કારણે નવી લાઇન હોવા છતાં ભીમરાવ નગર વિસ્તારના 300 પરિવાર પાણી માટે ટળવળી રહ્યા છે.મજૂર વર્ગ સાથે જોડાયેલા આ પરિવાર આખો દિવસ ખોરાક માટે મજૂરી કરે અને કામથી પરત ફરે તો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીની મુશ્કેલી છેલ્લા એક વર્ષથી છે, પણ અગાઉ થોડું પાણી મળતું હતું. છેલ્લા 3 મહિનાથી સ્થિતિ ગંભીર બની છે. જેમાં પાણી ન મળતું હોવાથી તેઓને ઘરના તમામ કામ કરવામાં મુશ્કેલી પડે છે. પીવાનું પાણી તો જેમ તેમ કરી નજીક જેમના ઘરે પાણી આવતું હોય ત્યાંથી ભરીએ છીએ, વાપરવાના પાણીનું શું કરવું? પૈસા ખર્ચીને મંગાવવું પણ કેમ પોસાય? જો તંત્ર પાણી નહી આપે તો હવે અમારી પાસે ઉપવાસ આંદોલન સિવાય કોઈ ઉકેલ નથી > ચંદ્રિકાબેન હરેશભાઈ ચાવડા અમે નવી પાઇપ લાઇન નાખી દીધી છે અને તે કાર્યરત પણ કરી દેવામાં આવી છે. જો કે લેવલિંગનો જે પ્રશ્ન હતો તે પણ ઉકેલાઇ ગયો છે. નળના જોડાણો આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે કે ત્રણ દિવસથી વિતરણ થોડું ખોરવાયું છે, પરંતુ જલદીથી જ આ સમસ્યા પણ નિર્મૂળ થઇ જશે. > સંજય સોની, ડે. કમિશનર. અમારા વિસ્તારમાં પીવાના પાણીની અતિશય તંગી જોવા મળી રહી છે.અમે આ બાબતે મનપામાં માર્ચ મહિનામાં ઓફલાઇન લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તેમાં પણ કોઇ નિવેડો ન આવ્યો અને આ ઉપરાંત ઓનલાઇન પણ અરજી કરી હતી. જો કે હજુ સુધી અમારા વિસ્તારમાં હજુ પીવાનું પાણી મળ્યું નથી. ઓનલાઇન અરજીનો જવાબ ન જ આપવાનો હોય તો આવી અરજીનો આગ્રહ શા માટે રખાય છે? > હેમરાજ વાઘેલા, સ્થાનિક મચ્છુ 2 ડેમમાં 6 મહિના ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ મોરબીમાં મચ્છુ 2 ડેમમાં 6 મહિના ચાલે તેટલું પાણી હોવા છતાં માત્ર પાણી પહોંચાડવાની મનપાની દાનત ન હોવાથી પરિવારો હેરાન થઈ રહ્યા છે. સ્થાનિકો મનપા કચેરીમાં લેખિત, મૌખિક રજૂઆત કરે તો આશ્વાસન આપે અને ઑનલાઇન એપ્લિકેશન થકી ફરિયાદ કરે તો કોઈ સમાધાન વિના ફરિયાદ સોલ્વ થઈ હોવાનો મેસેજ નાખી ઉલ્લૂ બનાવાઇ રહ્યા હોવાનો દેકારો મચી રહ્યો છે. હવે છેલ્લા ત્રણ મહિનાથી પીવાનાં પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો લોકો એ હવે મનપા કમિશનરને અલ્ટિમેટમ આપ્યું છે કે એક સપ્તાહમાં પાણી નહીં મળે તો મનપા કચેરીએ મહિલાઓ પાણી ભરવાના વાસણ સાથે આવશે અને કચેરી બહાર ઉપવાસ આંદોલન પણ કરશે.
Read Original Article →