શિક્ષક આલમમાં ભારે રોષ‎:ગ્રામ્ય વિસ્તારોના 100 શિક્ષકને શહેરની વસ્તી ગણતરીનું કામ સોંપાયું, 20 કિમીની ફરજિયાત યાત્રા

Gujarat5/26/2026, 12:00:00 AM
મોરબીમાં સરકારની મહત્વની રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરી સામે શિક્ષકોએ હવે બાંયો ચડાવી છે. એનું કારણ એ છે કે, શિક્ષકોને ગમે ત્યારે અને રાત્રે પણ વસ્તી ગણતરીની કામગીરીના હુકમ અપાતા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાય જાય છે. આટલી તકલીફો ઓછી હોય એમ દાઝ્યા પર ડામની જેમ મોરબી તાલુકાના એટલે ગ્રામ્ય વિસ્તારોના 100 જેટલા શિક્ષકોને શહેરી વિસ્તારોની વસ્તી ગણતરીની કામગીરી સોંપી દેવાનો જવાબદાર અધિકારીએ હુકમ કરતા શિક્ષકોએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે. શિક્ષકોના કહેવા મુજબ જે 100 શિક્ષકોને શહેરની વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ છે તે શિક્ષકો ગ્રામ્ય વિસ્તારોના છે. આ એક રાષ્ટ્રીય કામગીરી હોવાથી શિક્ષકો ફરજ બજાવવા તૈયાર છે, પરંતુ જો તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ શિક્ષકોને મુક્તિ આપે અથવા રિઝર્વમાં રાખે તો તેઓ માનસિક તણાવ વગર પોતાની મૂળ શૈક્ષણિક ફરજ બજાવી શકશે. અને આ ગ્રામ્ય વિસ્તારો મોરબી શહેરથી 20 કિમિ દૂર આવેલા હોવાથી રોજ વસ્તી ગણતરીની કામગીરી માટે તેઓને 20 કિમીની લાંબી મજલ કાપવી પડે એમ હોય વ્યવહારિક તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતે પારાવાર મુશ્કેલી પડતી હોવાથી મોરબી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ડેપ્યુટી કમિશનર અને ઈનચાર્જ ઓફિસરને લેખિત રજૂઆત કરીને આ ગ્રામ્ય વિસ્તારોના 100 શિક્ષકોને શહેરની વસ્તી ગણતરીની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ કરાઈ છે. બીજી તરફ સરકાર ખુદ કહી રહી છે કે, સરકારી કર્મચારીઓ અને અધીકારીઓએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને ઈંધણની બચત કરવી જોઈએ પરંતુ અહીં શિક્ષકોને 20 કિલોમિટર દૂર જવું પડતું હોવાથી ફરજિયાત વાહન લઈને જવું પડે, તો ઈંધણ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધશે. આ અંગે યોગ્ય કરવા શિક્ષકોએ માગ કરી છે અને નજીકમાં કામગીરી સોંપવા અરજ કરી છે. શિક્ષણ કાર્ય પર અસર પડવાની ભીતિ વસ્તી ગણતરીની કામગીરીમાં મોટાભાગના શિક્ષકો જોડાયેલા હોવાથી શિક્ષણ કાર્યની સીધી અસર પડશે. હાલ વેકેશન ચાલુ હોય બાદ હમણાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શિક્ષકો ત્યારે પણ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા રહેશે એટલે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કરવું મુશ્કેલ બની જશે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ કામગીરીનો બીજો તબક્કો શરૂ થશે ત્યારે પણ આ જ શિક્ષકોને ફરજ બજાવવાની હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડશે. તેથી વસ્તી ગણતરીમાં પણ શહેરી વિસ્તારના અન્ય કેડરના કે છૂટી ગયેલા કર્મચારીઓને પહેલા સામેલ કરવા જોઈએ. > દિનેશભાઇ વડસોલા, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ
Read Original Article →