પરીક્ષાના ડરે હોસ્ટેલથી ભાગેલો છાત્ર અમદાવાદમાં મળ્યો:ધો-9નો વિદ્યાર્થી પ્લાસ્ટિકની બોટલો વીણતો, ‘રામ રોટી’ ખાતો, પોલીસે શોધી અઢી મહિને પરિવાર સાથે મિલન કરાવ્યું

Gujarat5/19/2026, 12:55:08 PM
પરીક્ષાના ડરે હોસ્ટેલથી ભાગેલો છાત્ર અમદાવાદમાં મળ્યો:ધો-9નો વિદ્યાર્થી પ્લાસ્ટિકની બોટલો વીણતો, ‘રામ રોટી’ ખાતો, પોલીસે શોધી અઢી મહિને પરિવાર સાથે મિલન કરાવ્યું
"પોલીસ માત્ર દંડ જ નથી કરતી, પરંતુ વિખૂટા પડેલા પરિવારોને મેળવવાનું પુણ્યનું કામ પણ કરે છે." આ વાક્ય વિસનગર પોલીસે સાર્થક કરી બતાવ્યું છે. વિસનગરની આદર્શ હોસ્ટેલમાંથી 2.5 મહિના પહેલા ગુમ થયેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે અથાગ મહેનત બાદ અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાંથી શોધી કાઢ્યો છે. પરીક્ષાના ડરથી ભાગેલો આ કિશોર પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્લાસ્ટિકની બોટલો વીણવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો ઘટનાક્રમ 27 ફેબ્રુઆરી 2026ના રોજ આદર્શ હોસ્ટેલમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી કોઈને પણ જણાવ્યા વગર બેગ લઈને નીકળી ગયો હતો. તપાસમાં બહાર આવ્યું કે તેને પરીક્ષામાં નાપાસ થવાનો ડર હતો. હોસ્ટેલ છોડતા પહેલા તેણે પોતાના ખાતામાંથી 500 રૂપિયા ઉપાડ્યા હતા, જેમાંથી 80 રૂપિયાનું જૂનું દેવું ચૂકવી તે રીક્ષા દ્વારા બસ સ્ટેન્ડ પહોંચ્યો અને ત્યાંથી અમદાવાદની બસ પકડી હતી. પોલીસની તપાસ અને પડકારો વિસનગર પી.આઈ. કે.બી. પટેલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી ત્યારે વિદ્યાર્થી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારના CCTVમાં કેદ થયો હતો. જોકે, તેની પાસે મોબાઈલ ફોન ન હોવાથી તેને ટ્રેક કરવો પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે ટેકનોલોજીની સાથે પરંપરાગત બાતમીદારો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તપાસનો વ્યાપ વલસાડ, વાપી, સુરત અને અમદાવાદ સુધી વધાર્યો હતો. પોલીસે વિદ્યાર્થીના ફોટા સાથે ઇનામની જાહેરાત કરી વિગતો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી હતી. આ દરમિયાન અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જવાનોની નજર ગીતામંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા એક કિશોર પર પડી હતી. વાઈરલ ફોટા સાથે ચહેરો મળતો આવતા તેની પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પોતે પાટણનો રહેવાસી હોવાનું અને વિસનગરથી ભાગીને આવ્યો હોવાની કબૂલાત કરી હતી. સંઘર્ષના 2.5 મહિના અઢી મહિના સુધી આ કિશોરે અમદાવાદમાં ભારે સંઘર્ષ કર્યો હતો. રહેવા-જમવાની વ્યવસ્થા ન હોવાથી તે શરૂઆતમાં ‘રામ રોટી’માં જમતો હતો. ત્યારબાદ પેટ ભરવા માટે તેણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પ્લાસ્ટિકની ખાલી બોટલો વીણવાનું શરૂ કર્યું હતું. રાત્રે તે બસ સ્ટેન્ડના રેસ્ટરૂમમાં અથવા પ્લાસ્ટિકના કોથળાઓના ઢગલા પાસે સૂઈ જઈને રાત પસાર કરતો હતો. પરિવાર સાથે સુખદ મિલન પોલીસે કિશોરના પિતા અને પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અઢી મહિના બાદ પુત્રને હેમખેમ જોઈ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રના મિલન સમયે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે વિસનગર પોલીસની સખત મહેનત અને સંવેદનશીલ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધ: વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વાલીઓ અને શિક્ષકોએ માનસિક હુંફ આપવી જરૂરી હોવાનો સંદેશ આ ઘટના પરથી મળે છે.
Read Original Article →