ઊંઝા હાઈવે પર અકસ્માત: બનેવી-સાળીનાં મોત:ઈક્કો ટ્રક પાછળ ઘૂસતા, સારવાર દરમિયાન યુવતીનું પણ મોત
ઊંઝા બ્રાહ્મણવાડા ગામની સીમમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બનેવી અને સાળી સહિત બે વ્યક્તિના મોત થયા છે. સોમવારે બપોરના સુમારે નાયરા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી, જ્યાં એક ઈક્કો ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના વતની ૨૨ વર્ષીય ધારાભાઈ કેશુભાઈ કોળી પોતાની ઈક્કો ગાડીમાં 18 વર્ષીય સાળી આશાબેન સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ઊંઝા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જતી આઈસર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી. આઈસર ટ્રકે અચાનક બ્રેક મારતા, પાછળથી આવી રહેલી ધારાભાઈની ઈક્કો ગાડી સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ધારાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આશાબેનને તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત સર્જીને આઈસર ટ્રકનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક ધારાભાઈના પિતા કેશુભાઈ કોળીની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે આઈસર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →