ઊંઝા APMCમાં ઈસબગૂલ વેપારીઓની બેઠક:વેપારીઓએ પોતાના પ્રશ્નો નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા, GSTના નવા નિયમો પર મૂંઝવણ દૂર કરાઈ
ઊંઝા APMC ખાતે ઈસબગૂલના વેપારીઓ અને પ્રોસેસર્સ એસોસિએશનના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા ઈસબગૂલ અને તેના ફોતરાં (હસ્ક) પર એડવાન્સ રૂલિંગ હેઠળ લેવાયેલા નવા ટેક્સ નિર્ણયને કારણે વેપારીઓમાં ઉદ્ભવેલી મૂંઝવણોના નિરાકરણ માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. ઈસબગૂલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ નાયકે જણાવ્યું હતું કે, સરકારના નવા નિયમોને કારણે વેપારીઓ સામે બિલ બનાવવું અને માલની હેરફેર દરમિયાન કાયદાકીય દસ્તાવેજો રાખવા જેવા અનેક ટેકનિકલ પ્રશ્નો ઊભા થયા હતા. આ પ્રશ્નોના નિરાકરણ માટે પાટણ અને ઊંઝાથી કાયદાના નિષ્ણાતો તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ને આમંત્રિત કરાયા હતા. બેઠક દરમિયાન, વેપારીઓએ પોતાના પ્રશ્નો નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. CA અને કાયદાકીય નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબો આપીને મોટાભાગની ટેકનિકલ મૂંઝવણોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખના મતે, જો કોઈ નાના પ્રશ્નો બાકી હશે, તો બંને એસોસિએશન પરસ્પર ચર્ચા કરીને તેનો ઝડપથી ઉકેલ લાવશે. એસોસિએશન સુનિશ્ચિત કરવા માંગે છે કે નવા ટેક્સ નિયમોને કારણે ઊંઝાના ઈસબગૂલના મોટા વેપાર પર કોઈ નકારાત્મક અસર ન પડે અને તે અડચણ વગર ચાલુ રહે. આ બેઠક બાદ વેપારીઓએ રાહત અનુભવી છે. એસોસિએશને ખાતરી આપી છે કે સરકારના નિયમો અનુસાર જ આગામી તમામ વેપાર પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવશે. આ બેઠકમાં ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ સહિત નિષ્ણાતો અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →