ખરા 'કલાકાર' નીકળ્યા, વિસનગરમાં સલમાન ખાનની ફિલ્મ જેવો સીન સર્જાયો:ST બસ સ્ટેન્ડના નામ પર ગ્રીન નેટ ઢાંકી 'જય માતાજી પ્રસાદ ભંડાર' ખોલ્યું, ડેપો મેનેજરો ઇન્ચાર્જ...ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત

Gujarat6/7/2026, 11:42:10 AM
ખરા 'કલાકાર' નીકળ્યા, વિસનગરમાં સલમાન ખાનની ફિલ્મ જેવો સીન સર્જાયો:ST બસ સ્ટેન્ડના નામ પર ગ્રીન નેટ ઢાંકી 'જય માતાજી પ્રસાદ ભંડાર' ખોલ્યું, ડેપો મેનેજરો ઇન્ચાર્જ...ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત
સલમાન ખાનની ફિલ્મ જેવો એક સીન મહેસાણાના વિસનગરમાં સર્જાયો છે, જ્યાં કેટલાક શખ્સોએ ST બસ સ્ટેન્ડના બોર્ડ પર ગ્રીન નેટ ઢાંકીને ‘જય માતાજી પ્રસાદ ભંડાર’ અને પાન પાર્લર શરૂ કરી દીધુ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખી ઘટના વિશે ડેપો મેનેજરને ભાસ્કરે સવાલ કરતાં ડેપો મેનેજરો ઇન્ચાર્જ...ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત રહ્યા હતાં. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મુસાફરો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બનાવવામાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર કબજો જોવા મળ્યો છે. કડા ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે આવતા હજારો ભક્તો અને સ્થાનિક મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ તે એક ખાનગી દુકાનમાં ફેરવાઈ ગયું છે. બસ સ્ટેન્ડ બનાવીને ST વિભાગને દાનમાં આપ્યું આશરે 20 વર્ષ પહેલાં દાતા ગુણવંતભાઈ પંડિતે પોતાના સ્વખર્ચે આ બસ સ્ટેન્ડ બનાવીને એસ.ટી. વિભાગને દાનમાં આપ્યું હતું. આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે માતાજીના દર્શને આવતા ભક્તોને હટાણા અને મુસાફરી દરમિયાન આશરો મળી રહે. જોકે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ સાર્વજનિક મિલકત પર સ્થાનિક શખ્સ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે. હાલ આ બસ સ્ટેન્ડની અંદર 'જય માતાજી પ્રસાદ ભંડાર' અને એક પાર્લર ધમધમી રહ્યા છે. મુસાફરો ગરમીમાં શેકાવા મજબૂર આ ગેરકાયદેસર દબાણના કારણે કાળઝાળ ગરમીમાં મુસાફરો અને નિર્દોષ ભક્તો ખુલ્લામાં શેકાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે સંબંધિત આસામીને નોટિસો પણ ફટકારવામાં આવી છે, તેમ છતાં બસ સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યું નથી. 'વારંવાર રજૂઆતો અને નોટિસો આપવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી' આ બાબતે મંદિરના ટ્રસ્ટી સતીષભાઈ પટેલે ભારે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા વારંવાર રજૂઆતો અને નોટિસો આપવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી અને દબાણ કરનાર કોઈનું માનવા તૈયાર નથી. આ કબજો તદ્દન ગેરકાયદેસર અને ખોટો છે, જેથી તે તાકીદે ખાલી થવો જ જોઈએ. ભક્તો અને ગ્રામજનોની હાલાકીને જોતા હવે સ્થાનિક લોકમાંગ પ્રબળ બની છે કે એસ.ટી. વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સત્વરે આ મામલામાં હસ્તક્ષેપ કરે અને બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવીને તેને મુસાફરો માટે ખુલ્લું જાહેર કરે. ડેપો મેનેજરો ઇન્ચાર્જ...ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત વિસનગરના ડેપો મેનેજર ઝાલા સાહેબનો અકસ્માત થયો હોવાથી હાલમાં બે મહિના માટે વિસનગરના બસ સ્ટેન્ડ ઇન્ચાર્જ અરવિંદભાઈને ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે કાલથી તેઓ પણ ફરવા જવાના હોવાથી ઊંઝાના ડેપો મેનેજર જલ્પેશભાઈ પટેલ કાલથી ચાર્જ સંભાળવાના છે. જલ્પેશભાઈએ ભાસ્કરને જણાવ્યું કે, મારા ધ્યાને આ વાત આવી છે. પરંતુ આવતીકાલે(8 જૂન) હું ચાર્જ સભાળવાનો હોવાથી કાલે ગયા બાદ તપાસ કરવું છું. ત્યારબાદ હું કઈ જવાબ આપી શકું એમ છું. ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' પણ કંઈક આવું જ દૃશ્ય સર્જાયું હતું 2000ના વર્ષમાં ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' માં અબ્દુલ (શક્તિ કપૂર) સસ્તી મિલકત મેળવવાની લાલચમાં આવીને છેતરાઈ જાય છે. તેનો એક માણસ આવીને તેને લાલચ આપે છે કે, ગોવાથી આવેલો તેનો એક ભોળો દોસ્ત (સલમાન ખાન) બાંદ્રાના પોશ વિસ્તાર કાર્ટર રોડ પર આવેલી એક દુકાન માત્ર રૂ. 2 લાખમાં વેચી રહ્યો છે. મુંબઈના બજારભાવ પ્રમાણે જે જગ્યાના 15થી 20 લાખ રૂપિયા ઉપજી શકે, તે જગ્યા આટલી સસ્તી મળતી જોઈને અબ્દુલ લોભાય જાય છે. તેને લાગે છે કે પેલો છોકરો ગોવાનો હોવાથી મુંબઈના ભાવોથી અજાણ છે. આ સસ્તી અને નફાકારક ડીલ હાથમાંથી ન જાય તે માટે અબ્દુલ તાત્કાલિક વ્યાજે રૂપિયા લાવીને રોકડા બે લાખમાં એ જગ્યા ખરીદી લે છે અને ત્યાં વટથી પોતાની ફ્રૂટ જ્યૂસની દુકાન શરૂ કરી દે છે. દુકાન શરૂ થતાં જ ગ્રાહકોની લાંબી લાઈન જોઈને અબ્દુલ ખુશ થઈ જાય છે, પરંતુ ટૂંક સમયમાં જ ગ્રાહકો અચાનક ગાયબ થઈ જાય છે અને તેને સમજાય છે કે લોકો તેની દુકાનને 'બસ સ્ટોપ' સમજી રહ્યા છે. એટલામાં જ આખી દુકાન જોરજોરથી હલવા લાગે છે અને અબ્દુલ તેને ભૂકંપ સમજીને "બચાવો, બચાવો" ની બૂમો પાડે છે. જોકે, વાસ્તવમાં કોઈ ભૂકંપ નહોતો આવ્યો, પરંતુ JCB મશીન તેની એ ગેરકાયદેસર દુકાનને તોડી રહ્યું હતું. જ્યારે અબ્દુલ રડતા-રડતા પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરે છે, ત્યારે ઇન્સ્પેક્ટર તેને અસલી ઝટકો આપતા કહે છે કે તેણે બસ સ્ટોપની જગ્યા પર જ્યૂસની દુકાન ખોલી છે. આ આઘાતજનક સત્ય સામે આવતા જ અબ્દુલના હોશ ઉડી જાય છે અને સલમાન ખાને કરેલી આ મોટી છેતરપિંડીના સદમામાં તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે.
Read Original Article →