વિસનગર હાઈવે પર પીકઅપ ડાલાએ પરિવારને કચડ્યો:ફૂટપાથ પર શાકભાજી વિક્રેતાના પાંચ સભ્યો પર ટાયર ફરી વળ્યા, માસૂમ બાળકનું મોત; 4 ઘાયલ, મહેસાણામાં ગમખ્વાર અકસ્માત

Gujarat5/28/2026, 2:17:58 PM
વિસનગર હાઈવે પર પીકઅપ ડાલાએ પરિવારને કચડ્યો:ફૂટપાથ પર શાકભાજી વિક્રેતાના પાંચ સભ્યો પર ટાયર ફરી વળ્યા, માસૂમ બાળકનું મોત; 4 ઘાયલ, મહેસાણામાં ગમખ્વાર અકસ્માત
મહેસાણામાં માનવ આશ્રમ ચાર રસ્તા નજીક વિસનગર હાઈવે પર આવેલી સ્નેહ ભાવ સોસાયટીના ગેટ પાસે આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડમાં ફૂટપાથ પર બેસીને શાંતિથી જમી રહેલા એક જ ગરીબ પરિવારના પાંચ સભ્યો પર પૂરપાટ ઝડપે આવી રહેલું બેકાબૂ પીકઅપ ડાલું ફરી વળ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાથી મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમતી વખતે જ કાળમુખું ડાલું પરિવાર પર ફરી વળ્યું પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહેસાણા નજીક આવેલા ચિત્રોડા ગામના રહેવાસી દેવીપૂજક પરિવારના સભ્યો સ્નેહ ભાવ સોસાયટીના ગેટ નજીક ફૂટપાથ પર શાકભાજીની લારી ઊભી રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોજની જેમ આજે બપોરે પણ આખો પરિવાર ફૂટપાથ પર સાથે બેસીને જમી રહ્યો હતો. આ દરમિયાન મહેસાણાથી વિસનગર તરફ જઈ રહેલા એક પીકઅપ ડાલા (નંબર: GJ08AY0985) ના ચાલકે અગમ્ય કારણોસર ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલું વાહન સીધું જ ફૂટપાથ પર ચડી ગયું હતું અને શાકભાજીની લારી સહિત જમી રહેલા સભ્યોને કચડી નાખ્યા હતા. માસૂમનું ઘટનાસ્થળે મોત, ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ આ અકસ્માત એટલો જોરદાર હતો કે ડાલાના ટાયર નીચે આવી જતાં શ્રીવાશ આકાશભાઈ દેવીપૂજક નામના માસૂમ બાળકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર અને પોલીસ કાર્યવાહી દુર્ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા તમામ ચારેય ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકના શવને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યું છે અને અકસ્માત સર્જનાર પીકઅપ ડાલું કબજે લીધું છે. હાલ પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જમતી વખતે જ વહાલસોયા બાળકને ગુમાવતા ચિત્રોડા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Read Original Article →