વિજાપુરમાં પરિણીતા પર સાસરિયાનો ત્રાસ:પતિએ આઈફોન લેવા પિયરમાંથી પૈસા મંગાવ્યા, દહેજની માંગણી સાથે માર માર્યાની પતિ, સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ

Gujarat6/10/2026, 11:59:36 AM
વિજાપુરમાં પરિણીતા પર સાસરિયાનો ત્રાસ:પતિએ આઈફોન લેવા પિયરમાંથી પૈસા મંગાવ્યા, દહેજની માંગણી સાથે માર માર્યાની પતિ, સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ
વિજાપુરના ભીમરાવનગરમાં રહેતી 28 વર્ષીય પરિણીતાને આઇફોન, એસી અને સોફા જેવી વસ્તુઓ લાવવા બાબતે તેમજ પિયરમાંથી અવારનવાર પૈસા મંગાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપી, બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘરકામ બાબતે ટોણા મારી હેરાન કરતા વડનગર પિયર ધરાવતી જીનલબેનના લગ્ન આશરે બે વર્ષ અગાઉ વિજાપુર ખાતે રહેતા સાહીલકુમાર કિશનભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક વર્ષની દીકરી છે. સચિવાલયમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા પતિ છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર હોઈ, દીકરીના જન્મ પછી સાસરિયાઓએ જીનલબેનને ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પિયરમાંથી પૈસા મંગાવી પતિને આપ્યા પતિએ પિયર તરફથી મળેલા સોના-ચાંદીના દાગીના વેચીને ગાડી ખરીદી લીધી હતી. તે પછી પણ લાલચ અટકી ન હતી. સોફા ખરીદવા માટે પિયરમાંથી 30 હજાર, એસી માટે 40 હજાર અને આઇફોન લેવા માટે 50 હજાર રૂપિયા જીનલબેને પોતાની માતા પાસેથી મંગાવીને પતિને આપ્યા હતા. તેમ છતાં અવારનવાર પૈસાની માંગણી કરી પતિ તેની સાથે મારપીટ કરતો હતો. 'તું કમાતી નથી, પતિએ લાફા માર્યાં' 8 જૂન, 2026ના રોજ રાત્રિના સમયે પતિએ ઘરે આવી જીનલબેનને 'તું કંઈ કમાતી નથી અને પિયરમાંથી પૈસા મંગાવતી નથી' તેમ કહી ગાળો આપી હતી. વિરોધ કરતાં વાળ પકડી નીચે પાડી દઈ છાતી તેમજ બરડાના ભાગે ગડદાપાટુનો નિર્મમ માર માર્યો હતો. બુમાબુમ છતાં સાસુ-સસરા બચાવવા આવ્યા ન હતા. બીજા દિવસે સવારે આ અંગે સસરાને રજૂઆત કરતાં સાસુ-સસરાએ પણ દીકરાનો પક્ષ લઈ ગાળો આપી હતી અને પતિએ ફરીથી લાફા માર્યા હતા. આખરે કંટાળીને પરિણીતાએ 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. ત્યારબાદ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધા પછી જીનલબેને પતિ સાહીલ પરમાર, સાસુ મીનાબેન પરમાર અને સસરા કિશન પરમાર વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને મારપીટની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →