ઈકો ચાલકે રસ્તે ચાલતા સગીરને ટક્કર મારી:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, વિજાપુરના ટેચાવા રોડ પર હિટ એન્ડ રન

Gujarat6/8/2026, 10:18:23 AM
ઈકો ચાલકે રસ્તે ચાલતા સગીરને ટક્કર મારી:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, વિજાપુરના ટેચાવા રોડ પર હિટ એન્ડ રન
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટેચાવા ગામના રોડ પર એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલી એક અજાણી ઈકો ગાડીના ચાલકે રસ્તે ચાલતા 17 વર્ષના કિશોરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે લાડોલ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈકો ગાડીના ચાલકે સગીરને પાછળથી જોરદાર ટક્કર મારી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોઠણ ગામે રહેતો 17 વર્ષીય સાવંતસિંહ બળવંતસિંહ રાઠોડ તેના માસીના ઘરે ટેચાવા વચલોવાસ ખાતે મહેમાનગતિએ આવ્યો હતો. ગત તારીખ 5 મે 2026ના રોજ સવારે સાડા છ વાગ્યાના સુમારે સાવંતસિંહ તેના માસા વિક્રમસિંહ મણસિંહ ચૌહાણ સાથે ખેતરમાં જુવાર વાઢવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટેચાવાથી શોભાસણ તરફ જતા રોડ પર ચંદ્રમણી કોમ્પ્લેક્ષ આગળ પહોંચતા જ વિજાપુર તરફથી વલાસણા તરફ જઈ રહેલી એક અજાણી ઈકો ગાડીના ચાલકે સાવંતસિંહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે પહેલાં વડનગર અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયો ટક્કર એટલી જોરદાર હતી કે સાવંતસિંહ હવામાં ઉછળીને રોડની બાજુમાં પટકાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈકો ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ગાડી ભગાડી ગયો હતો. આસપાસના લોકો એકત્ર થઈ જતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત કિશોરને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ રહેલા સાવંતસિંહે ગત સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે દમ તોડ્યો હતો. આ મામલે મૃતક કિશોરના માસા વિક્રમસિંહ ચૌહાણે લાડોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈકો ગાડીના ચાલક વિરૂદ્ધ બેદરકારીથી વાહન હંકારી અકસ્માત સર્જી મોત નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →