એપ્રિલમાં "ફૂલ' વરસાદ:મહેસાણાથી અરવલ્લી પટ્ટામાં 2 ઇંચ સુધી પડ્યો; મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર,‎બહુચરાજી, જોટાણામાં જોરદાર ઝાપટાં‎

Gujarat4/8/2026, 12:00:00 AM
એપ્રિલમાં "ફૂલ' વરસાદ:મહેસાણાથી અરવલ્લી પટ્ટામાં 2 ઇંચ સુધી પડ્યો; મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર,‎બહુચરાજી, જોટાણામાં જોરદાર ઝાપટાં‎
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મંગળવાર બપોરે પછી વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ચૈત્રમાં ચોમાસા જેવા આ માહોલમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાઠંબા તાલુકામાં સવા 2 ઇંચ અને બાયડમાં દોઢ ઇંચ ખાબક્યો હતો. વિજાપુર, હિંમતનગર અને તલોદમાં 1-1 ઇંચ નોંધાયો હતો. બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. મહેસાણા જિલ્લામાં સાૈથી વધુ વિજાપુરમાં 1 ઇંચ તેમજ વિસનગરમાં 7, ઊંઝા, વડનગર અને બહુચરાજીમાં 6, જોટાણામાં 4 અને મહેસાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં મંગળવાર સવારથી પશ્ચિમી પવનોના કારણે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 34.9 થી 35.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. આ દરમિયાન સવારે 11.30 કલાકથી પવનની ગતિમાં અસામાન્ય વધારો થતાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. મહેસાણા શહેરમાં મંગળવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સાંજે વરસાદી ઝાપટાં પડતાં રસ્તા પરથી પસાર થતાં લોકો ભીંજાયા હતા. અડધો કલાક દરમિયાન ધીમી ધારે વરસાદ વરસતા અરવિંદબાગ રોડ, મોહનપુરા, માલ ગોડાઉન રોડ તેમજ અર્બન બેંક વિસ્તાર સહિતના નિચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાઈ રહેતાં અવરજવર કરતાં વાહનચાલકોને કલાકો સુધી તકલીફ સર્જાઇ હતી. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં થયેલા વરસાદને લઇ એક્સપર્ટ ડૉ.રાજદીપસિંહ જાડેજા (સહ સંશોધક, કેવીકે ભચાઉ) સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત સવાલ : વાતાવરણમાં કયા બદલાવથી ફરી એકવાર વરસાદ થયો? માર્ચ અંતમાં એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવ્યું હતું. જે ઉત્તર તરફ જઇને પરત આવ્યું છે. જેને લઇ સપ્તાહમાં બીજી વખત વાતાવરણ પલટાયું. તેમજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. સવાલ : આ વરસાદથી ખેતી પાકોને શું અસર થઇ શકે છે? ઉનાળું પાકોને કોઇ નુકસાન નથી. ઉલટું એક પિયત મળ્યું કહેવાય. રવી સિઝનનો મોટાભાગનો પાક લેવાઇ ગયો છે. પાછોતરુ વાવેતર કરેલો પાક લેવાનો બાકી છે, તેમને નુકસાન થઇ શકે. ભારે પવન સાથેના વરસાદથી કેરીનો પાક હાલ ખાખડી અવસ્થાએ છે. તે પડી જતાં ઉત્પાદનને અસર થશે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી તડબૂચ અને ટેટીના પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળ્યો નથી. આ સ્થિતિમાં આ બંને પાકોના ફળનો વિકાસ રૂંધાય અને મીઠાશમાં પણ ઘટાડો થઇ શકે છે. સવાલ : વાતાવરણ ક્યારે સામાન્ય થઇ શકે છે? આગામી 11 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ વાતાવરણ સામાન્ય થવાની શક્યતા છે. એટલે ગરમીમાં પણ વધારો થશે. પવન સાથે વરસાદથી નુકસાનની સ્થિતિ - લાડોલ નજીક મુખ્ય રોડ પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોટકાયો. - બાયડના ચોઇલા પાસે આવેલા છાપરીયા ગામમાં મોટા કરા સાથે વરસાદ. - હિંમતનગરમાં હાથમતી નદીના કિનારે રહેતા નંદકિશોર નારાયણજી ડાભીના તબેલાના પાંચ રૂમ ધરાશાયી થયા. સદનસીબે જાનહાનિ ટળી. - દેસાસણ પ્રા.શાળા નજીક લીમડાનું વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી. - વરસાદી વિસ્તારોમાં તમાકુ, ઘઉં સહિતના રવિ સિઝનના પાછોતરા વાવેતરને ભારે નુકસાન. મહેસાણા જિલ્લામાં તમાકુના પાકને અસર. 20 તાલુકામાં વરસાદ - મહેસાણા : વિજાપુરમાં 1 ઇંચ, વિસનગરમાં 7 મીમી, ઊંઝા, વડનગર અને બહુચરાજીમાં 6-6 મીમી, જોટાણામાં 4 મીમી, મહેસાણામાં 2 મીમી - પાટણ : હારિજ-સમીમાં 2-2 - સાબરકાંઠા : હિંમતનગર -તલોદમાં 1-1 ઇંચ, પ્રાંતિજ- વડાલીમાં અડધો-અડધો ઇંચ, વિજયનગર 8, ઇડર 3 મીમી - અરવલ્લી : સાઠંબામાં સવા 2 ઇંચ, બાયડમાં દોઢ ઇંચ, મોડાસામાં પોણો ઇંચ, મેઘરજમાં 7 મીમી, ધનસુરામાં 1 મીમી
Read Original Article →