ઊંઝામાં શંકાસ્પદ જીરું ઝડપાયું:વરિયાળીમાં પ્રતિબંધિત કલર ભેળવવાના રેકેટનો પર્દાફાશ, 3.30 લાખનો જથ્થો જપ્ત

Gujarat5/22/2026, 3:59:58 PM
ઊંઝામાં શંકાસ્પદ જીરું ઝડપાયું:વરિયાળીમાં પ્રતિબંધિત કલર ભેળવવાના રેકેટનો પર્દાફાશ, 3.30 લાખનો જથ્થો જપ્ત
ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોર્ડે મહેસાણાના ઊંઝામાં વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સ્થળ પરથી અંદાજિત રૂ.3.30 લાખની કિંમતનો 3548 કિલોગ્રામ વરિયાળીનો લુઝ જથ્થો તેમજ ભેળસેળ માટે વપરાતો 140 કિલોગ્રામ લીલો કલર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરીમાંથી તપાસ ઊંઝામાં આવેલી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી"માં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવાનું ષડયંત્ર રંગેહાથે ઝડપાયું હતું. આ કાર્યવાહી દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે, ફેક્ટરીના સંચાલકો આ જગ્યા પર ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું સક્ષમ સત્તાધિકારીનું કોઈપણ પ્રકારનું ફૂડ લાઈસન્સ પણ ધરાવતા ન હતા. આ ફેક્ટરીમાં જનઆરોગ્યને મોટા પાયે નુકસાન પહોંચાડવાની સાથે-સાથે કાયદાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. 3548 કિલોગ્રામ વરિયાળીનો લુઝ જથ્થો સીઝ કરાયો અધિકારીઓએ આ સમગ્ર શંકાસ્પદ જથ્થો સીઝ કરી દીધો છે અને વરિયાળી તથા એડલ્ટ્રન્ટ તરીકે વાપરવામાં આવતા લીલા કલરના નમૂનાઓ વિશ્લેષણ અને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Read Original Article →