'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':ઉચરપી ગામે મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર, વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ

Gujarat4/8/2026, 10:30:06 AM
'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':ઉચરપી ગામે મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર, વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ઉચરપી ગામના ગ્રામજનોએ ટીપી સ્કીમ અને રસ્તાઓના આયોજનમાં મોટાપાયે થતી જમીન કપાતના વિરોધમાં આગામી મનપા સહિતની તમામ ચૂંટણીઓના બહિષ્કારનું એલાન કર્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગામમાં 'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લગાવતા ચકચાર મચી છે. ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ સ્થાનિક આગેવાન બાબુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવતી છે. ગામની આસપાસથી રાધનપુર-શામળાજી-ઈડર એમ બે હાઈવે પસાર થવાના છે, જેની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે. આ મર્યાદિત વિસ્તારમાં ફરી 80 મીટરનો વિશાળ રિંગ રોડ અને 24 મીટરના ટીપી રોડ મંજૂર કરવામાં આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં, જમીનોને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં સમાવી લેવા સામે પણ વિરોધ ઉઠ્યો છે. દૂધનો વ્યવસાય અને આજીવિકા ગુમાવવા જેવી સ્થિતિ ગામના યુવક ચિરાગ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર એવા ઉચરપી ગામની 50% થી વધુ જમીન રસ્તાઓ અને ટીપી-ડીપી સ્કીમોમાં કપાતમાં જઈ રહી છે. વર્ષ 2047ના ભાવિ આયોજનના નામે ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં અત્યારથી જ આકરા અમલીકરણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેતીમાં પહેલેથી જ નુકસાન વેઠી રહેલા પરિવારો માટે હવે જમીન ગુમાવવી એટલે દૂધનો વ્યવસાય અને આજીવિકા કાયમ માટે ગુમાવવા જેવી સ્થિતિ છે. ગ્રામજનોની કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચરપીના ગ્રામજનોએ એકસૂરે માંગણીઓ કરી છે કે, નવા સૂચિત રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે. ગામને ફરીથી એગ્રીકલ્ચર (ખેતીલાયક) ઝોનમાં સમાવવામાં આવે અને બિનજરૂરી રિંગ રોડને બદલે જ્યાં ખરેખર જરૂર છે તેવા નેળિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મનપા જ નહીં પણ વિધાનસભા જેવી કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
Read Original Article →