અર્ટિગા કારના ચાલકનો આતંક:કારચાલકે બે બાઇક અને કારને અડફેટે લેતાં બેને ઇજા
મહેસાણા નુગર બાયપાસ ચોકડીથી મોઢેરા ચોકડી તરફના વન-વે માર્ગ પર સોમવારે સવારે અર્ટિગા કારના ચાલકે અલ્ટો કાર અને બે બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક ચાલક અને સવાર મહિલાને ઇજા પહોંચી હતી. બાઈકચાલકની ફરિયાદ આધારે તાલુકા પોલીસે અર્ટિગા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. મગુના લાલજીનગર ખાતે રહેતા મેહુલકુમાર ચતુરભાઈ પટેલ સોમવારે સવારે બાઇક લઈ તેમના ગામના માનસીબેન ગોવિંદભાઈ પટેલ સાથે મોઢેરા ચોકડી તરફ આવી રહ્યા હતા. ત્યારે નુગર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ ગોગા મહારાજના મંદિર નજીક વન વે રોડનું કામ ચાલુ હોવાથી, મોઢેરા ચોકડી તરફથી આવી રહેલ અર્ટીગા કાર (જીજે 02 ઇસી 3302)ના ચાલકે તેમની આગળ જતી અલ્ટો કારને ટક્કર મારી હતી. ત્યાર બાદ એક બાઈક ચાલકને અને પછી તેમના બાઇકને આગળના ભાગે ટક્કર મારતાં તેઓ અને પાછળ બેઠેલા માનસીબેન રોડ પર પડી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં તેમને ગાલ ઉપર ચાર ટાંકા આવ્યા હતા અને માનસીબેનને માથાના ભાગે હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. ત્રણ વાહનોને ટક્કર મારનાર અર્ટિગાના ચાલક સામે મેહુલ પટેલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Read Original Article →