ભાસ્કર એક્સક્લુસિવ:RTE પ્રવેશ માટે ડેડલાઇન પહેલાં ભાડા કરારના ટોકન નહીં મળતાં પરેશાની વધી
RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ મહેસાણામાં ભાડાના મકાનમાં રહેતા વાલીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રજીસ્ટર્ડ ભાડા કરાર વગર ફોર્મ સબમિટ ન થઈ શકતાં અનેક પરિવારો હાલ મૂંઝવણમાં મુકાયા છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન સ્લોટ આગામી તા.18 સુધી સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. જ્યારે RTE ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા.17 એપ્રિલ છે. આ કારણે વાલીઓ સમયસર ભાડા કરાર નોંધણી કરી શકતા નથી અને બાળકોના પ્રવેશ માટેનું ફોર્મ પણ ભરવામાં અસમર્થ રહ્યા છે. ગરવી-2 પોર્ટલ પર મહેસાણા કચેરીના તા.8 થી 18 દરમિયાન ટોકન મેળવવાના પ્રયાસો છતાં, સિસ્ટમમાં સીધું તા.20થી જ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ દર્શાવે છે. એટલે કે, ફોર્મ ભરવાની મુદત પૂરી થયા પછી જ ટોકન મળી શકે તેવી સ્થિતિ છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દરરોજ અંદાજે 100 થી 114 ટોકન ફાળવાય છે. છેલ્લી તારીખ 17મી, 18 સુધી ટોકન મળતા નથી
મહેસાણા શહેરના શક્તિધારા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ નાયીએ જણાવ્યું કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 છે, પણ ભાડા કરાર માટે 18મી સુધી ટોકન મળતા નથી. હવે ફોર્મ કેવી રીતે ભરવું તે સમજાતું નથી. ઘણા વાલીઓ અટવાયા છે. આ રીતે ઉકેલ થઇ શકે
1. RTE ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવે. 2. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોકન સ્લોટ વધારવામાં આવે. 3.નોટરી કરારને પણ માન્યતા આપવામાં આવે.
Read Original Article →