ફરિયાદ નોંધાઈ:મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સ સોનાની ચેન ચોરી ગયા

Gujarat5/26/2026, 12:00:00 AM
મહેસાણાની પાલાવાસણા ચોકડીથી જગુદણ જવા રિક્ષામાં બેઠેલા દંપતીના પર્સમાંથી 1.5 લાખની કિંમતની સવા તોલાની સોનાની ચેનની ડબ્બી ચોરી થઈ હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. અરવલ્લી જિલ્લાના વાંકાટીંબાના અને હાલ અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં રિયાબેન માર્મિક અરવિંદભાઈ બરંડાના પતિ ડીસાની તાલુકા હેલ્થ ઓફિસમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 મેના રોજ રિયાબેન પતિ સાથે જગુદણમાં માતા-પિતાને મળવા નીકળ્યા હતા. વાંકાટીંબાથી એસટીમાં મહેસાણા પાલાવાસણા ચોકડી પહોંચ્યા હતા. સાંજે ત્યાંથી મહેસાણા તરફથી આવતી રિક્ષામાં જગુદણ જવા બેઠા હતા. રિક્ષામાં કપડાનો થેલો પગ નીચે રાખ્યો હતો. જેમાં નાના પર્સમાં ડબ્બીમાં 1.5 લાખની સોનાની ચેન હતી. જુના બ્રિજ પર ચડતાં ડ્રાઇવરે આગળ પોલીસ ચેકિંગ છે અને આગળના ટાયરમાં પંચર છે તેમ કહી બાજુમાં બેઠેલા એક ભાઈને પાછળની સીટમાં બેસવા કહ્યું હતું. તે પાછળ બેઠેલા બે શખ્સોની બાજુમાં વચ્ચે બેઠો હતો. ડ્રાઇવરે રિયાબેનના પતિને પોતાની પાસે બેસાડ્યા હતા. રિક્ષા મેવડ નજીક પહોંચતા પાછળ બેઠેલા શખ્સે મારે પાછળ ઓફિસે ઉતરવાનું છે કહેતાં ડ્રાઇવરે રિક્ષા ઊભી રાખી હતી અને રિયાબેન અને તેમના પતિને મેવડ ટોલનાકા નજીક ઉતારી, આ ભાઈને ઓફિસે ઉતારીને આવું તેમ કહી ડ્રાઇવર ત્રણ શખ્સો સાથે ફરાર થઇ ગયો હતો.
Read Original Article →