આઈકોનિક રોડની હાલની ડિઝાઇનમાં વૃક્ષોના વાવેતરને લઈ ફેરફાર કરાશે:ગ્રીનબેલ્ટ વિકસાવવા આઇકોનિક રોડમાં વૃક્ષોનું વધુ વાવેતર કરાશે

Gujarat6/7/2026, 12:00:00 AM
મહેસાણા શહેરમાં વધતી ગરમી અને ઘટતી હરિયાળી વચ્ચે હવે શહેરના આઈકોનિક રોડ માત્ર કોંક્રિટના નહીં, પરંતુ હરિયાળીના પ્રતીક બનશે. મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન દુહાને શહેરમાં વૃક્ષોની અછતને ગંભીરતાથી લઈ ચાર આઈકોનિક રોડની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડ, મોઢેરા રોડ સહિત ચાર મુખ્ય માર્ગોને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે પ્રાથમિક ડિઝાઇનમાં માત્ર RCC સ્ટ્રક્ચર અને સુશોભન કામને પ્રાધાન્ય અપાયું હોવાનું ધ્યાનમાં આવતાં પ્રકૃતિની વચ્ચે ડાંગ જેવા જિલ્લામાં ફરજ બજાવીને આવેલાં કમિશનરે તેમાં વધુ હરિયાળી ઉમેરવા સૂચના આપી છે. કમિશ્નરે જણાવ્યું કે, શહેરમાં બિલ્ડિંગો અને કોંક્રિટનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જ્યારે ગ્રીન બેલ્ટનું વિસ્તરણ પૂરતા પ્રમાણમાં થતું નથી. તેથી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા માટે એજન્સીની પણ નિમીશુ. આઈકોનિક રોડ પર વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, લોકો છાંયડામાં બેસી શકે અને શહેરનું તાપમાન ઘટાડવામાં મદદ મળે તેવી નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. ગ્રીનરી વધુ થાય તે રીતે ડિઝાઇનમાં ફેરફાર કરાશે બાંધકામ વિભાગના એન્જિનિયર જતીન પટેલે જણાવ્યું કે, કમિશનરની સૂચના અનુસાર હાલની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરીને આઈકોનિક રોડનો મૂળ કોન્સેપ્ટ જાળવી રાખતા વધુ હરિયાળી અને પર્યાવરણમૈત્રી સુવિધાઓ ઉમેરવામાં આવશે. આગામી દિવસોમાં નવી ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
Read Original Article →