કચરો અલગ કરવાથી ગુણ સુધરી શ:ઘરે-ઘરેથી સૂકો-ભીનો કચરો અલગ નહીં લેવાતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થશે
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી 100 ટકા નિયમિત બની ગઈ છે. પરંતુ મોટા ભાગે ઘરોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં એકત્ર કરવામાં આવતો નથી. લોકો એક જ ડસ્ટબિનમાં ભેગો કરેલો કચરો મહાનગરપાલિકાના વાહનમાં સૂકા અને ભીના કચરાના અલગ વિભાગોમાં નાખવાના બદલે ગમે તે વિભાગમાં નાખી દે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સૂકા અને ભીના કચરાના અલગ સંગ્રહ માટે 500 ગુણ નક્કી કરાયાં છે. તેથી ભેગો કચરો લેવાતા ગુણાંકનમાં અસર પડી શકે છે. જોકે ભેગો કરેલો કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા બાદ કામદારો તેને અલગ કરે છે. ભીનો કચરો બાયોગેસ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યારે ઘન કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. તેથી ડમ્પિંગ સાઇટ પરના પ્રોસેસિંગ માટેના 1000 ગુણમાં સુધારો થવાની શક્યતા રહે છે. સેનેટરી શાખાના સૂત્રોએ જણાવ્યું કે, કચરો એકત્ર કરતી ગાડીઓમાં સૂકા કચરા માટે વાદળી અને ભીના કચરા માટે લીલા રંગના બે વિભાગો છે. છતાં સોસાયટીઓમાં ડોર-ટુ-ડોર કચરો લેવા જતા વાહનોને લોકો એક જ ડસ્ટબિનમાં ભેગો કરેલો કચરો આપે છે. સતત સંદેશા આપવા છતાં લોકોમાં આદત હજુ વિકસી નથી. જોકે હકીકત એ છે કે કચરો લેવા આવતી ગાડીઓમાં માત્ર ડ્રાઇવર અને મહિલા શ્રમિકો જ હોવાથી લોકો સાથે જાગૃતિ માટે અસરકારક સંવાદ થઈ શકતો નથી. કચરો એકત્ર કરતી વખતે લોકોને સમજાવી શકે તેવા કર્મચારીની નિમણૂક જેવી વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. ભળેલા ગામો અને ઓજી વિસ્તારોમાં અલગ ડસ્ટબિન આપ્યાં નથી નગરપાલિકા સમયમાં શહેરમાં સૂકા અને ભીના કચરા માટે બે ડસ્ટબિન અપાયા હતા. ઘણા લોકો હજુ તેનો યોગ્ય ઉપયોગ કરતા નથી. જ્યારે મહાનગરપાલિકામાં ભળેલા 19 ગામો અને પાંચ ગામોના સોસાયટી વિસ્તારોમાં હજુ સુધી અલગ ડસ્ટબિન અપાયા નથી. પરિણામે ભેગો જ કચરો ઠલવાય છે. એજન્સીના સૂત્રોએ કહ્યું કે, હાલ રાધનપુર રોડ પર દયાનંદ પાર્ક, સીલીકોનવેલી, શિવાય હેરીટેઝ સહિત ચારેક સોસાયટીઓમાંથી અલગ અલગ કચરો મળી રહ્યો છે.
Read Original Article →