વહીવટી તંત્ર નિષ્ફળ:તળાવોમાં પાણી ભરવાના મંત્રીના પ્રશ્નનો તંત્રએ જવાબ જ ન આપ્યો

Gujarat5/17/2026, 12:00:00 AM
રાજ્યના ઊર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોવાનું સામે આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર તાલુકાના રંગાકુઈ, ગુંછળી, બીલીયા, મોરવાડ અને ખરોડ સહિતના ગામોના તળાવોમાં નર્મદાનું પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા મુદ્દે પ્રશ્ન રજૂ કર્યો હતો. પરંતુ વિસનગર નર્મદા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને મહેસાણાના લાખવડ સ્થિત સુજલામ સુફલામ યોજનાના અધિક્ષક ઇજનેર દ્વારા આ મુદ્દે કોઈ અહેવાલ જ રજૂ કરાયો ન હતો. ઋષિકેશ પટેલે વિસનગર તાલુકાના 16 ગામોમાં નવા બોરની માંગણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું કે, 14 મેના રોજ ગામોની મુલાકાત લીધી હતી, જેમાં પાલડી, સદુથલા, ઉદલપુર સહિત 10 ગામોમાં હાલના બોર સંતોષકારક રીતે કાર્યરત હોવાનું અને પૂરતું પાણી મળતું હોવાથી નવા બોરની તાત્કાલિક જરૂરિયાત ન હોવાનો નિષ્કર્ષ અપાયો હતો. વિજાપુર ધારાસભ્ય સી.જે. ચાવડાએ 2024 થી 31 માર્ચ 2026 સુધી પૂછાયેલા પ્રશ્નોમાં કેટલા હુકમો થયા અને કેટલા બાકી છે તેની માહિતી માંગતા તંત્રએ વિવિધ વિભાગોમાંથી વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિ, અધિક કલેક્ટર જશવંતભાઈ જેગોડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. દબાણ, પાણી નિકાલ સહિતના પ્રશ્નો પૂછાયા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મગપરા વિસ્તાર પાછળ રેલવે સ્ટેશન સામેના દબાણ દૂર કરવા મુદ્દે પ્રશ્ન પૂછતાં મનપાના નાયબ કમિશનરે જણાવ્યું કે, 18 ફેબ્રુઆરી 2025ના રોજ ગોપીનાળાથી રાધનપુર ચોકડી સુધી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઊંઝાના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે તાલુકામાં આવેલા પાણીના કાંસ અને વહેળાઓ અંગે માહિતી માંગતા જિલ્લા પંચાયત સિંચાઈ શાખાએ જણાવ્યું કે, તાલુકામાં 24 પાણીના કાંસ અને 68 લોકલ વહેળા આવેલા છે, જેમાંથી માત્ર 6 કાંસ જ નોટિફાઇડ છે. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નવી તાલુકા પંચાયત ઇમારતના બાંધકામ અંગે પ્રશ્ન પૂછતાં તંત્રએ જણાવ્યું કે, 6.69 કરોડનું એસ્ટિમેટ માર્ગ મકાન વિભાગને મોકલાયું હતું, પરંતુ ટીડીઓએ 5 કરોડની મર્યાદામાં સુધારેલું એસ્ટિમેટ માગતાં તે પણ મોકલી અપાયું છે.
Read Original Article →