રામોસણામાં જીયાણાના પ્રસંગમાં ધોકા ઉડ્યાં, CCTV:હોલમાં ઘૂસી મહિલાઓ-મહેમાનોને લાકડીઓ વડે ફટકાર્યા, ક્રોસ ફરિયાદમાં ભુવાજી સહિત 27 સામે ગુનો

Gujarat6/5/2026, 10:38:20 AM
રામોસણામાં જીયાણાના પ્રસંગમાં ધોકા ઉડ્યાં, CCTV:હોલમાં ઘૂસી મહિલાઓ-મહેમાનોને લાકડીઓ વડે ફટકાર્યા, ક્રોસ ફરિયાદમાં ભુવાજી સહિત 27 સામે ગુનો
મહેસાણા તાલુકાના રામોસણા ગામે આવેલા સુપ્રસિદ્ધ રામોસણા મેલડી માતાના મંદિર નજીક સામાજિક પ્રસંગ દરમિયાન નાની બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. બાળકો વચ્ચે રમત-રમતમાં થયેલી ગાળાગાળી અને વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતમાંથી શરૂ થયેલો વિવાદ એટલો વણસ્યો હતો કે, ઉશ્કેરાયેલા ટોળાએ સામાજિક પ્રસંગના હોલમાં ઘૂસીને મહેમાનો અને મહિલાઓ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. આ સામસામે થયેલી મારામારીમાં મહિલાઓ સહિત અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેલડી માતાના મંદિરના ભુવા સહિત બંને પક્ષના કુલ 27 લોકો સામે સામસામે ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ પક્ષનો આક્ષેપ: અન્નપૂર્ણા હોલમાં ઘૂસીને મહેમાનોને ફટકાર્યા પ્રથમ ફરિયાદ અનુસાર રામોસણા મેલડી માતાના મંદિર પાછળ રહેતા મિતેષ ડાહ્યાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પત્નીના જીયાણાના સામાજિક પ્રસંગ નિમિત્તે અન્નપૂર્ણા હોલમાં મહેમાનો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના માસીના જમાઈ સંદીપકુમાર પોતાની ફોર-વ્હીલર ગાડી લઈને હોલ તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તા વચ્ચે સ્ટેન્ડ મૂકીને રમી રહેલા બાળકોમાંથી એક બાળકે ગાળ બોલતા સંદીપકુમારે ગાડી ઊભી રાખી તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે બાળકના કુટુંબના માણસોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને બોલાચાલી કરીને ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી મિતેષભાઈએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ વાહન આવતા જ ટોળું વિખેરાઈ ગયું હતું અને મિતેષભાઈ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા. મહિલાઓના કપડા ફાડી નાખ્યાનો આરોપ જો કે, તેઓ પોલીસ સ્ટેશનમાં હતા તે જ સમયે સામા પક્ષના લોકો લાકડીઓ જેવા હથિયારો સાથે અન્નપૂર્ણા હોલ નજીક આવેલા રૂમમાં ઘૂસી ગયા હતા અને ત્યાં બેઠેલા મહેમાનો તેમજ મહિલાઓ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં વિપુલ પટેલ, અરવિંદ પટેલ, સોનલબેન, ભારતીબેન અને ઊર્જાબેન સહિતના લોકોને લાકડીઓ તેમજ ગડદાપાટુનો આડેધડ માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ઝપાઝપી દરમિયાન મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે શંકર પટેલ, કનુ પટેલ, ગણપત પટેલ સહિતના શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા પક્ષની વળતી ફરિયાદ: ગાડી પગે અડાડી ગાળાગાળી કરી, ભુવાજી લાકડીઓ લઈને આવ્યા જ્યારે સામા પક્ષે રામોસણાના માધવનગરમાં રહેતા જય પ્રકાશભાઈ પટેલે બીજી વળતી ફરિયાદ નોંધાવી છે. જેમના જણાવ્યા અનુસાર, મેલડી માતાના મંદિરના ચોકમાં મહોલ્લાના છોકરાઓ રમતા હતા, ત્યારે સંદીપ પટેલે પોતાની ગાડી બેદરકારીપૂર્વક ચલાવી એક છોકરાના પગે અડાડી દીધી હતી. જેથી સંભાળીને ગાડી ચલાવવાનું કહેતા સંદીપ ગાડીમાંથી ઉતરી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રિના સમયે સોસાયટીના નાકે ઉભેલા યુવકો પર જયદીપ બાબુલાલ ઉશ્કેરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. બન્ને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ આ વિવાદ બાદ મેલડી માતાના મંદિરના ભુવાજી ડાહ્યા બબલદાસ પટેલ સહિત નાગલપુર, ધીણોજ અને રણેલા ગામના અન્ય માણસો લાકડીઓ લઈને એકસંપ થઈ ધસી આવ્યા હતા. આ ટોળાએ સોસાયટીના યુવકોને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચે છોડાવવા પડેલા જય પ્રકાશભાઈના માથામાં લાકડી મારી લોહીલુહાણ કરી દીધા હતા. આ ઉપરાંત અક્ષય પટેલ, કાવ્યાબેન, પ્રિયંકાબેન, આયુષીબેન અને ભૂમિકાબેન સહિતના લોકોને પણ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ પક્ષના તમામ ઈજાગ્રસ્તોને પણ 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી એક મહિલાને વધુ ગંભીર ઈજા હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મહેસાણા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 27 શખ્સો સામે કાયદેસરનો ગુનો નોંધીને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધુ તપાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →