મહિલા કોર્પોરેટરોને બદલે ‘પતિદેવ’ મેદાનમાં:મોઢેરા રોડ પર કામગીરીના નિરીક્ષણ માટે ધારાસભ્યે મહિલા કોર્પોરેટરોને બોલાવ્યા પરંતુ પહોંચ્યા પતિઓ
નવી બનેલી મહેસાણા મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોના હાથમાં હજી તો સત્તા આવી નથી તે પહેલા જ સોમવારે મોઢેરા રોડ પર ચાલતા કામોના નિરીક્ષણ માટે ધારાસભ્યએ વોર્ડના કોર્પોરેટરોને બોલાવ્યા હતા. પરંતુ બે મહિલા કોર્પોરેટરની જગ્યાએ તેમના પતિ જ પહોંચ્યા હતા. ચોમાસામાં મોઢેરા રોડ પર વરસાદી પાણી ના ભરાય, આ કામગીરી કેવી ચાલી રહી છે તે જોવા ધારાસભ્ય મુકેશ પટેલે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને કામ ઝડપી પૂર્ણ થાય તેવા સૂચનો કર્યા હતા. હજી તો મનપાની પ્રથમ મીટિંગ પણ નથી થઈ પણ જે રીતે મહિલા કોર્પોરેટરોના પતિ હાજર રહ્યા તેનાથી સ્પષ્ટ છે કે ભલે 50% અનામતના નામે મહિલાઓ ચૂંટાઈ છે પણ વહીવટ તો આ મહિલા કોર્પોરેટરોના પતિના હાથમાં જ રહેશે. મોઢેરા રોડ પર ચાલતી કામગીરીની મુલાકાતે વોર્ડ નં.9ના ચૂંટાયેલા કોર્પોરેટર જલ્પાબેન પટેલના પતિ મનોજકુમાર પટેલ તથા ભાવનાબેન પટેલના પતિ ચંદુભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઇજનેરો સાથે ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલી જરૂરી સૂચનાઓ અને પરામર્શ દરમિયાન બંને પતિદેવ પણ જોડાયા હતા. ત્યારે કોર્પોરેશનમાં ચૂંટાયેલી મહિલા કોર્પોરેટરો કરતાં તેમના પતિદેવોનું કામકાજમાં વધુ પ્રભુત્વ રહેશે અને તંત્ર પણ ટેવાઈ ગયું છે. આઇકોનિક રોડમાં જરૂર મુજબ ચેમ્બર બનાવાશે
મનપાના ઇજનેરે જણાવ્યું કે, આઇકોનિક રોડ કામગીરી હેઠળ રોડ સાઇડમાં કરવામાં આવતી એન્ટ્રીઓ હાલ ખુલ્લી છે, જેથી ચોમાસામાં એજવોલ અને દુકાનો વચ્ચે પાણી ભરાવાની શક્યતા ઓછી રહે. તેમ છતાં ક્યાં-ક્યાં લેવલ નીચાણમાં છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આવા સ્થળોએ ચેમ્બર બનાવી ત્યાંથી પાઇપલાઇન દ્વારા મુખ્ય રોડની વરસાદી પાણીની લાઇનમાં જોડાણ ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. વરસાદી પાણી ન ભરાય તે માટે બે સૂચનો કર્યા
એક તરફ આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યાંથી રાધે બંગ્લોઝ સુધી પાઇપ દ્વારા ચેમ્બર સુધી જોડાણ આપવા આર એન્ડ બીના ઇજનેરોને સૂચના આપી હતી. આ વિસ્તાર ડાઉન પોર્શન હોવાથી કામ પૂર્ણ થતાં વરસાદી પાણી નિકાલ થશે. જ્યારે મોઢેરા ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી મનપાની આઇકોનિક રોડ કામગીરી ચાલી રહી છે. તેમાં એજવોલ અને દુકાનો વચ્ચે રહેલી જગ્યામાં વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે તે અંગે ધારાસભ્યએ ઇજનેરોને પૂછપરછ કરી હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ચેમ્બર બનાવી પાઇપલાઇનને મુખ્ય રોડની વરસાદી લાઇન સાથે જોડવા સુચવાયુ હતું.
Read Original Article →