'અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું':'મેં તેમનું પિકચર પૂરૂ કર્યું', મહેસાણા ભાજપના કોર્પોરેટરનો બફાટ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું-'આવું કેમ બોલ્યા તેને જ પૂછો'
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ-8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ શુક્રવારે વાઈરલ થઈ હતી. જેમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાઈ આવ્યા હતા કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વાતચીત અંદાજે 5 મિનિટ ચાલી હતી. તેમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે 25 વખત અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જોકે, નીતિન પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ આવું કેમ બોલ્યા તેને જ પૂછો. મેં ઉપર રજૂઆત કરી દીધી છે. વાઈરલ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલ શું બોલ્યા?
અમારી ટિકિટ કાપી એટલે નીતિનભાઈની જોડે જે ચમચા હતા અમારા સમાજના. મેં જાહેરમાં કીધું હતું કે, તમે બધા યાદ રાખજો મારો ટાઈમ આવશે એ દિવસ સમાજના કોઈ આગેવાનોનું નહીં સાંભળું. હું નીતિન પટેલ સામે પૂરેપૂરી તાકાતથી ઉભો રહીશ અને કરી બતાવ્યું. ગમે એવો મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરૂ કરી દીધું. વિધાનસભા અને લોકસભાની ટિકિટ નહીં આપી. બધી ફોર્મ્યુલા આપણી પાસે હતી. અમે નીતિનભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા હતા ત્યારે મેં તો 10 ધારાસભ્યોની હાજરીમાં કહી દીધું કે અનામતનું આંદોલન અનિલભાઈ અને તમે બે જણે ઊભું કર્યું હતું. મારા મોબાઈલમાં તમારા ફોટા છે. 'એ વ્યક્તિએ મારા વિરૂદ્ધ અપશબ્દો બોલ્યા'
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે એણે વિના કારણે, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ જાતનો સંપર્ક નહીં. એ વ્યક્તિએ મારા વિરૂદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા. મારા વિશે ખરાબ બોલ્યા અને મારૂં રાજકારણ પૂરું થઈ ગયું અને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરી હતી. સ્વાભાવિક છે કે, આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપ્યો હતો. 'મને ઓડિયો મળ્યો ત્યારે હું પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વ્યસ્ત હતો'
એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલતી હતી. પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5થી 6 દિવસ સળંગ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એ બધા સાથે સતત મીટિંગમાં હતો. મારી પાસે સમય મર્યાદિત હોવાના કારણે મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં તેને અમારા મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લાના પક્ષના પ્રભારી ભરત ડાંગરને અને જિલ્લાના પ્રમુખ ગિરીશ રાજગોરને મોકલી આપ્યો હતો. 'મને ઓડિયો મળ્યો ત્યારે હું પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વ્યસ્ત હતો'
એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલતી હતી. પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5થી 6 દિવસ સળંગ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એ બધા સાથે સતત મીટિંગમાં હતો. 'મારી રજૂઆતના આધારે પક્ષે કાર્યવાહી શરૂ કરી છે'
સ્વાભાવિક છે કે, એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી. પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે તેની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. બીજા જૂના ઓડિયો વિશે પણ નીતિન પટેલે જવાબ આપ્યો
એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો પણ મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો. એ ઓડિયોમાં 5 વર્ષ પહેલાની જે નગરપાલિકાની ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત બીજા વ્યક્તિને એમ કહી રહ્યો છે કે, આપણે આપણા સમાજનું જોવાનું. ભાજપને પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાના છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે. ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે. એટલે આપણે એને હરાવી દેવાનો છે. 'પક્ષ વિરૂદ્ધ કામ કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરાશે'
આવો ઓડિયો મને મળ્યો હતો તો સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે, મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. મેં અમારા પ્રભારી ભરત ડાંગર અને ગિરીશ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો હતો. પક્ષની વિરૂદ્ધ કામ કરવા માટે કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી કરવામાં આવશે. 'મારે એની જોડે કોઇ સંપર્ક પણ નથી'
મને આ વિશે કંઈ ખબર નથી કે આવું કેમ બોલ્યા. મારે એની જોડે કોઇ સંપર્ક પણ નથી. હું મહેસાણામાં 10 વર્ષ ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો, નાયબ મુખ્યમંત્રી રહ્યો એ વખતે કોઈ પ્રશ્ન નહોતો. ઉપરથી એનો હાથ બનાવટનો દેશી સાબુનો જે ધંધો છે, સસ્તા તેલોથી બનતો સાબુ છે એનો જે પ્રશ્ન આખા રાજ્યમાં હતો, મેં એનું નિરાકરણ કરી અને જ્યારે હું નાણામંત્રી હતો ત્યારે હજારો સાબુ ઉત્પાદકોને ટેક્સમાં રાહત આપવાની મેં મદદ કરી હતી. 10 વર્ષમાં બે-પાંચ વખત કાર્યકર તરીકે મળ્યો હોઈશ'
આ સિવાય ચંદ્રકાંતનું અહીંયા કોઈ ગેરેજ છે. એ સર્વિસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવા પણ મને લઈ ગયો હતો. એ સિવાય મારે એની સાથે કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ નથી. મને એવું લાગે છે કે, એની આજુબાજુના વ્યક્તિઓ કદાચ કોઈ એને ઉશ્કેરણી કરતા હોય અને એનો દુરુપયોગ કરતા હોય. 10 વર્ષમાં બે-પાંચ વખત મળ્યો હોઇશ કાર્યકર તરીકે. એને અહીંયા મહામંત્રી બનાવ્યો જિલ્લાનો એ પણ મારી જાણકારી બહાર છે. કોર્પોરેટરની ટિકિટ મળી એ પણ મને ખબર નથી. આવા વ્યક્તિઓને કોઈપણ રીતે પ્રોત્સાહન જે મળ્યું છે, એના કારણે આવા લોકો બેફામ થયા છે. ચંદ્રકાંત પટેલને ભવિષ્યમાં કોઈપણ હોદ્દો ન આપવાનો નિર્ણય લેવાયો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે વાઇરલ ઓડિયો મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સ્પષ્ટતા કરી છે કે, આ મામલે તપાસ હાથ ધરીને કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવશે અને હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અન્ય વાઇરલ ઓડિયો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Read Original Article →