વર્કશોપમાં આગથી બે કાર બળીને ખાખ:સર્વિસમાં આવેલી અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીં, નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન વર્કશોપમાં બની ઘટના
મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન કારના વર્કશોપમાં આજે 13 એપ્રિલે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાર સર્વિસ સ્ટેશનના પેઈન્ટ સેક્શનમાં લાગેલી આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ગઈ હતી. જેમાં સર્વિસ માટે આવેલી બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટના બપોરે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
હાઈવે પર આવેલા આ વર્કશોપમાં ગાડીઓ અને પેઈન્ટના મટીરિયલ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીં
ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે વર્કશોપમાં પડેલી અન્ય ચાર જેટલી કિંમતી કારને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બે ગાડીઓ બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
Read Original Article →