'બીજા તળાવે આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ':મોટપમાં તળાવના ખોદકામની માપણી કરતા ઉપસરપંચ પર હુમલો, કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો સામે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ

Gujarat4/10/2026, 10:10:09 AM
'બીજા તળાવે આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ':મોટપમાં તળાવના ખોદકામની માપણી કરતા ઉપસરપંચ પર હુમલો, કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો સામે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ
મહેસાણાના બેચરાજીના મોટપ ગામે તળાવના ખોદકામની માપણી કરવા ગયેલા ગામના ઉપસરપંચ અને અન્ય ગ્રામજનો પર હુમલાનો પ્રયાસ કરી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોઢેરા પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવના ખોદકામની માપણી સમયે હુમલો મોટપ ગામના ઉપસરપંચ સુરેશ પટેલ ગત સાંજે ગામના અન્ય સાક્ષીઓ સાથે સર્વે નંબર 776માં આવેલા ગામ તળાવના ખોદકામ અને માટીકામની માપણી કરવા માટે ગયા હતા. આ કામનો કોન્ટ્રાક્ટ કાલરીના ધરમસિંહ ઉર્ફે ધમો સોલંકી મળેલો હતો. માપણી ચાલી રહી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટર ધરમસિંહ સોલંકી તેનો મિત્ર ગોસ્વામી અને અન્ય 8થી 10 માણસો બે કાળા રંગની સ્કોર્પિયો ગાડીઓ લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ઉપસરપંચનો કોલર પકડી ઝપાઝપી કરી હતી અને "ખોદકામના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં કેમ મૂક્યા છે?" તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે અન્ય ગ્રામજનો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તમામ સામે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપી ધરમસિંહ સોલંકીએ પોતાની ગાડીમાંથી કુહાડી કાઢી ઉપસરપંચ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી બચાવ કર્યો હતો. જતા-જતા આરોપીઓએ જાહેરમાં એવી ધમકી પણ આપી હતી કે "હજુ બીજું તળાવ પણ ખોદવાનું છે.જો ત્યાં આવ્યા છો તો જીવતા પાછા નહીં જાઓ." આ ઘટના બાદ ઉપસરપંચ સહિતના ગ્રામજનોએ એકઠા થઈ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →