મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષની 3 દુકાનમાં મોડી રાત્રે આગ:મનપાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કપડા સહિતનો માલસામાન બળીને ખાખ
શહેરના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં 12 એપ્રિલની મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે કોમ્પલેક્ષમાં દુકાન નંબર 30, 31 અને 32માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર લાગેલી આ આગની જ્વાળાઓ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાએ ફાયર વિભાગને કરી હતી જાણ
ઘટના અંગે કોમ્પલેક્ષમાં જ પાન પાર્લર ચલાવતા મિતલબેન ગોસ્વામીએ સતર્કતા દાખવી તુરંત મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેસાણા મહાનગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ અંદાજે 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુકાનમાં કપડા અને સામાન બળીને ખાખ
જોકે, આગ એટલી વિકરાળ હતી કે દરજીની દુકાનમાં રહેલો તમામ સામાન અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Read Original Article →